રાજકોટ: રાજકોટના નાના મવા સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારની સાંજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, આખો ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે. અગ્નિકાંડની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં ઘણા પરિવારોને ઉંડો આઘાત લાગ્યો છે. દક્ષ કુંજડિયા નામના એક પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, તેઓ દુર્ઘટના સમયે ગેમ ઝોનમાં બોલિગ ઝોનમાં રમી રહ્યાં હતાં અને તેમણે અચાનક આગ લાગતી જોઈ, જોકે, સમય સુચકતા જાણીને તેઓ સ્ટીલ એક શીટ તોડીને ત્યાથી જંપ કરીને નીકળવામાં સફળ રહ્યાં.
બીજી તરફ આ ઘટનામાં ગૂમ થયેલા મોનું નામના 17 વર્ષના સગીરની મામીએ એ જણાવ્યું હતું કે, મારી નણંદનો 17 વર્ષનો દિકરો મોનું અહીં 20 થી 25 દિવસ પહેલા કામ કરવા આવ્યો હતો, હજી થોડા દિવસ પહેલાં જ તે ગોરખપુરના દેવરિયાથી આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતાં અમે તેને સતત ફોન કરતા હતા પણ કોઈ જવાબ મળ્યો નહી.