બનાસકાંઠા: પાલનપુર તાલુકાના ચડોતર નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ડમ્પરના ચાલકે બેદરકારીભરી રીતે ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં નિર્દોષ એક માલધારીનું મોત નીપજ્યું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના મામલે તાલુકા પોલીસને તપાસ શરૂ કરી છે.
ઘેટા-બકરાં ચરાવતા માલધારીને ડમ્પરે કચડ્યા: ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર-ડીસા હાઈવે ઉપર ચડોતર ગામ નજીક ઘેટા-બકરાં ચરાવવા જઈ રહેલા માલધારીને ડમ્પરના ચાલકે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયુ છે. અકસ્માતની ઘટના બાદ ડમ્પર મૂકીને ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે. અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળની આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી: અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક માલધારીના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી હતી.
ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો: અકસ્માત અંગે તાલુકા પોલીસે તપાસ આરંભી છે પોલીસે ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પર ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો હોવાની સ્થાનિકો તરફથી માહિતી મળી રહી છે. જોકે પોલીસે આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં હવે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: