કચ્છ: લાભ પાંચમ એટલે ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ, ત્યારે આજે ભુજની જથ્થાબંધ બજારમાં આજે લાભપાંચમના દિવસે ભુજ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય કેશુ પટેલ દ્વારા કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વેપારનો પ્રારંભ થયો છે અને સર્વ પ્રથમ મગનો વેપાર કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. જથ્થાબંધ માર્કેટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, આજે 5 કરોડના વેપારના સોદા થશે.
ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ: કારતક માસના શુક્લ પક્ષમાં આજે પાંચમની તિથિ છે. આ તિથિને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પાંચમ પર જો કોઈ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ થાય છે, તેવું માનવામાં આવે છે. આખો દિવસ વણજોયું મુહૂર્ત એટલે કે, લાભ પાંચમનો આખો દિવસ શુભ ગણાય છે. તેથી જથ્થાબંધ બજારમાં વેપારીઓ આજના દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. દર વર્ષે આ રીતે કાંટા પૂજન કરવામાં આવે છે.
વેપારીઓને પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ: જથ્થાબંધ માર્કેટમાં આવેલા ભુજંગ દેવની પૂજા આરતી કર્યા બાદ ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુ પટેલ, ડૉ .મુકેશ ચંદે, જથ્થાબંધ બજારના આગેવાનો તેમજ વેપારીઓની હાજરીમાં કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ વેપારીઓને પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પાંચમના દિવસે ફરીથી બજાર ધબકતી થઈ: આજે લાભ પાંચમના દિવસે કચ્છની સૌથી મોટી જથ્થાબંધ બજારમાં ભુજંગ દેવના પૂજન બાદ કાંટા પૂજન કરવામાં આવ્યું છે. દિવાળી બાદ આજે પાંચમના દિવસે ફરીથી આ બજાર ધબકતી થાય છે. 2001ના ભૂકંપ બાદ વેપારીઓએ ખૂબ મહેનત કરીને આ જથ્થાબંધ બજાર ઉભુ કર્યું છે. આજે અહીં ખૂબ મોટા વેપારો થતા હોય છે. દરેક વેપારીઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.
5 કરોડ રૂપિયાના સોદા થશે: જથ્થાબંધ માર્કેટ એસોસિએશનના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ દિવાળી બાદ લાભ પાંચમના દિવસે કાંટા પૂજન કરીને વેપાર શરૂ કરવામાં આવે છે. આજે પહેલો સોદો મગનો થયો છે, 91 રૂપિયે કિલો મગનો સોદો થયો છે, ત્યારે આ સાથે જ 450 જેટલા વેપારીઓએ આજથી ધંધો શરૂ કર્યો છે. આજે નવા વર્ષના પહેલા દિવસે 5 કરોડ રૂપિયાના સોદા થશે.
શાસ્ત્રોક્ત પૂજાવિધિ સાથે ધંધા રોજગાર શરૂ: બેસતું નવુ વર્ષ લાભદાયી નીવડે તથા દિવાળીના વેકેશન બાદ આજે લાભ પાંચમના દિવસે ભુજની જથ્થાબંધ બજારમાં આજે વેપારીઓ કાંટા પૂજન સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજાવિધિ કરી ધંધા રોજગાર શરૂ કર્યા છે. લાભ પાંચમથી વિધિવત રીતે કચ્છની APMC બજારો અને જથ્થા બંધ બજારો પણ ખુલી જવા પામી છે. ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ખરીદી માટે આગળ આવતા બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે અને પહેલે ભીડ બજારમાં આ પૂજા કરવામાં આવતી હતી અને કાંટા પૂજન કરવામાં આવતું હતું.
આ પણ વાંચો: