નવસારી: જિલ્લામાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સતર્ક થઇ છે. ખેરગામ પોલીસના PSI એમ. બી. ગામીતને બાતમી મળી હતી કે, ખેરગામના પારસીવાડમાં જનતા સ્કૂલ પાસે રહેતો વિપ્રેશ ઉર્ફે ચકો જીગ્નેશ મોર્ય ગાંજાનો વેપલો કરે છે અને ચકાનો મિત્ર તથા વલસાડના અટગામ અતુલ ફળિયામાં રહેતો વાસુદેવ જોશી ગાંજો લઇને ચકાને આપવા પારસીવાડ આવનાર છે. જે બાતમીને આધારે પોલીસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન વાસુદેવ પોતાની બાઇક પર 5050 રૂપિયાનો 505 ગ્રામ ગાંજાનો જથ્થો લઇને ચકાને આપવા જતા પોલીસે બંને મિત્રોને રંગે હાથ પકડી પાડ્યા હતા.
શોર્ટકટમાં પૈસા કમાવા ગાંજાનું વેચાણ: ખેરગામ પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસને વેગ આપ્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી વિપ્રેશ ઉર્ફે ચકો પગે દિવ્યાંગ હોવાથી તેનો ફાયદો ઉઠાવી છેલ્લા ઘણા સમયથી શોર્ટકટમાં પૈસા કમાવા માટે તેના આર્ટિફિશિયલ પગમાં ગાંજાની નાની 100 રૂપિયાની પડીકીઓ બનાવી સંતાડી રાખતો અને ખેરગામની જનતા હાઈસ્કૂલ પાસે જ નશાનો કારોબાર ચલાવતો હતો. જેનો મિત્ર વાસુદેવ જોશી, તાપીની મહિલા પાસેથી ગાંજો લાવીને આપતો હતો.
મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ: પોલીસે વિપ્રેશ ઉર્ફે ચકો મોર્ય અને વાસુદેવ જોશીની ધરપકડ કરી, ઘટના સ્થળેથી ગાંજા સાથે 45 હજાર રૂપિયાની બાઇક અને 500 રૂપિયાના મોબાઈલ ફોન મળીને કુલ 50,550 રૂપયાનો મુદ્દામાલ કબ્જે કરી ખેરગામ પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. જયારે બંને મિત્રોને ગાંજાનો જથ્થો પહોંચાડનારી તાપીના વ્યારાની મહિલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે.
ખેરગામ પોલીસને મળેલી બાતમીને આધારે ખેરગામ ખાતેથી બે ઈસમોને 500 ગ્રામ જેટલો ગાંજો જેની કિંમત 5,050 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ પાસેથી મોટરસાયકલ મોબાઈલ ફોન અને એક પ્લાસ્ટિકની થેલી સાથે 50550નો કુલ મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો છે. ગાંજો આપનાર મહિલાને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી કરવી રિમાન્ડ મેળવી તપાસને વેગ આપ્યો છે. - એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી