જૂનાગઢ: આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે. સામાન્ય રીતે મહિનામાં એક અમાસ આવતી હોય છે પરંતુ અમાસ અને સોમવારનો સંયોગ થતો હોય તેવા અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરીને સંમતિ અમાસની ઉજવણી કરી હતી.
સોમવતી અમાસનો પવિત્ર સંયોગ: આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ખૂબ જ પ્રાચીન ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ સોનરખ નદીના જળથી ભરાયેલા દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરીને ભાવિકોએ સોમવતી અમાસની ભારે આસ્થા સાથે ઉજવણી કરી હતી દામોદર કુંડમાં તમામ ધાર્મિક વિધિને આદિ અનાદિ કાળથી ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે અમાસ અને તેમાં પણ સોમવતી અમાસના પવિત્ર સંયોગે આજે મોટી સંખ્યામાં ભાવિકોએ તેમના પિતૃનું તર્પણ કર્યું હતું.
દામોદર કુંડનું ધાર્મિક મહત્વ: સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ પવિત્ર દામોદર કુંડનું ખૂબ જ ધાર્મિક મહત્વ પણ આંકવામાં આવ્યું છે અહીં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સ્વયમ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યુ હોવાની ધાર્મિક માન્યતા પણ છે તો સાથે સાથે અહીં ભગવાન શ્રીકૃષ્ણના પિતૃઓનું તર્પણ પણ દામોદર કુંડના સાનિધ્યમાં થયું હોવાની ધાર્મિક માન્યતા છે તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થિઓનું ભારતમાં માત્ર બે જ જગ્યાએ વિસર્જન કરાયું હતું તે પૈકી બીજા સ્થળ તરીકે પણ દામોદર કુંડને પસંદ કરાયો હતો ત્યારે આવા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડમાં આજે સોમવતી અમાસના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરીને સોમવતી અમાસની આસ્થા સાથે ઉજવણી કરી હતી.
દર મહિને હોય છે એક અમાસ: વિક્રમ સવંતના હિંદુ પંચાંગ અનુસાર દર મહિને એક અમાસનો સંયોગ આવતો હોય છે. મહિનાના 30 દિવસ દરમિયાન દર 15 દિવસે એક અમાસ આવતી હોય છે જે સૂર્ય અને ચંદ્રની રાશિ અનુસાર પડતી હોય છે પરંતુ અમાસના દિવસે જ્યારે સોમવાર આવતો હોય આવા પવિત્ર સંયોગને સોમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને કારણે આજના દિવસે પિતૃ તર્પણ અને પિતૃ કાર્યને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે કરેલું પિતૃ તર્પણ પ્રત્યેક મૃતાત્માઓ સુધી પહોંચે છે અને તેના આત્માનું કલ્યાણ થાય છે તે માટે પણ સોમવતી અમાસના દિવસે પિતૃ તર્પણ કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ છે.