કચ્છ: રાજ પરંપરા મુજબ રાવ શ્રી દેશળજીના સમયથી એટલે ઈ.સં. 1785 થી આજ પર્યત 295 વર્ષથી શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે ભુજંગદેવ ખેતરપાળ દાદાની મહાપુજા કરવામાં આવે છે. રાજ પરંપરા મુજબ છેલ્લા 53 વર્ષથી આ પુજા કચ્છ રાજના અંતિમ મહારાજા પ્રાગમલજી ત્રીજા કરતા આવ્યા હતા. જ્યારે હવે રાજપરીવારના મુખ્ય કર્તા મહારાણી શ્રી પ્રિતીદેવી સાહેબની સુચના અનુસાર કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે મહાપુજા કરવામાં આવી હતી. રાજ પરંપરા મુજબ ભુજંગદેવ મંદિરના પૂજારી વાઘજીભાઈ સંજોટ કુંવરને તિલક કર્યું હતું. આજના દિવસે ભુજના સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
શેર બુલંદખાને ભુજ પર 50,000ના લશ્કર સાથે કરી હતી ચડાઈ: આ નાગપંચમી મેળાના ઇતિહાસની વાત કરવામાં આવે તો કચ્છ ઉપર વિદેશીઓના અવારનવાર આક્રમણો થતા હતા, આથી કચ્છના રક્ષણ માટે મહારાજાઓ ગોડજીએ ભુજિયા ડુંગર ઉપર કિલ્લો તેમજ ભુજને ફરતે કિલ્લો બનાવવાનું શરૂ કર્યું હતું. આ કિલ્લાનું કામ મહારાજા દેશળજી (પહેલા)એ પૂર્ણ કરાવ્યું હતું. ઈ.સ. 1729માં બરાબર તે જ સમયે અમદાવાદના શેર બુલંદખાને 50 હજારના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી હતી. ત્યારે કચ્છના મહારાજા દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જિયાજીના સરદારી હેઠળ શેર બુલંદખાનના લશ્કર સાથે ભુજિયા ડુંગર ઉપર ઘમસાણ યુદ્ધ થયું હતું.
9000 જેટલા નાગાબાવાની જમાતે પણ યુદ્ધમાં લડત આપી: ઉલ્લેખનીય છે કે આ સમયે રાજસ્થાનના જયપુરથી 9000 જેટલા નાગાબાવાની જમાત બલુચિસ્તાનમાં હિંગલાજ માતાજીની યાત્રાએ જતા હતા અને તેમણે ભુજમાં વિસામો લીધો હતો. નાગાબાવાની જમાતને આ વિદેશી આક્રમણની જાણ થતાં તેઓ પણ આ યુદ્ધમાં ભુજના રક્ષણ માટે લડયા હતા. કચ્છ રાજ્યના રોહા જાગીરના ઠાકોર જિયાજીએ હાથો-હાથની લડાઈ કરતાં-કરતાં શેર બુલંદખાનની તલવાર છીનવી લીધી અને શેર બુલંદખાનને મારીને તેને હરાવ્યો હતો.
ઘમસાણ યુદ્ધમાં કચ્છનો વિજય: શેર બુલંદખાન સાથેના આ ઘમસાણ યુદ્ધમાં કચ્છનો વિજય આજના દિવસે થયો હતો. એટલે કે તે શુભ દિવસ શ્રાવણ સુદ નાગપંચમીનો હતો. ત્યારે કચ્છના મહારાજા દેશળજી પહેલાએ શાહી સવારી લઈ ભુજિયા ડુંગર ઉપર આવી, ખેતરપાળ દાદાની પૂજા-અર્ચના કરી અને સર્વે સેનાપતિઓનું સન્માન કર્યું હતું અને શેર બુલંદખાનની તલવાર રોહા જાગીરના ઠાકોર જિયાજીને ભેટ કરી તેનું બહુમાન કર્યું હતું. આજે પણ આ તલવાર રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રાસિંહજી પાસે સાચવેલી પડી છે.
આજનો દિવસ દર વર્ષે વિજય મહોત્સવ તરીકે ઉજવાય: 1730થી આજનો દિવસ દર વર્ષે વિજય મહોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. કચ્છના રાજ પરિવાર દ્વારા શાહી સવારી ભુજના દરબાર ગઢથી ભુજિયા ડુંગર સુધી નીકળવામાં આવે છે અને ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલ ખેતરપાળ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવતી. ઈ.સ. 1948 પછીથી ચાલી આવતી. આ પરંપરા મુજબ કચ્છના અંતિમ મહારાઓ પ્રાગમલજી ત્રીજા દર વર્ષે આ પૂજા-અર્ચનાની રાજ પરંપરા નીભાવતા હતા.
ભુજના ઇતિહાસમાં અનેક લોકોએ બલિદાન આપ્યું: રાજપરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છ માટે આજનો દિવસ મહત્વનો દિવસ ગણાય છે. કચ્છના મહારાણી પ્રતિદેવીએ દરેક કચ્છીઓને નાગપાંચમીની શુભેચ્છાઓ આપી છે અને આજે ભુજંગદાદાની પૂજા અર્ચના કરવાની તક મને પ્રાપ્ત થઈ છે. દરબાર ગઢ ખાતે સ્વર્ગસ્થ મહારાજા પ્રાગમલજી ત્રીજાને પુષ્પાંજલિ અર્પીને ટિલામેડી ખાતે પૂજા કરીને ત્યાર બાદ શાહી સવારીથી દાદાના મંદિરે પરંપરા મુજબ પૂજા કરવામાં આવી છે. ભુજના ઇતિહાસમાં અનેક લોકોએ બલિદાન આપ્યું છે ત્યારે તેમને આજે યાદ કરવું જોઈએ અને નમન કરવું જોઈએ. આજના દિવસે ભુજના દરેક લોકોએ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવવા જોઈએ.