જુનાગઢ: કેરી પકવતા ખેડૂતો માટે સતર્ક રહેવાનો સમય આવી ગયો છે, જો કોઈ ખેડૂત આંબાની ખેતી કરતા હોય અને કેરીના બોક્સ માર્કેટયાર્ડમાં મોકલી રહ્યા હોય તો સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા પણ કરીને રાખવા જેવી સ્થિતિ ઉભી થઈ છે, નહીંતર કેરીના બોક્સની ચોરી પણ થઈ શકે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે, પોલીસે કેરીના બોક્સની ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડીને અચરજ પમાડે તેવા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
કેરીની ચોરી: જે ખેડૂતો આંબાની ખેતી સાથે સંકળાયેલા છે અને હાલ કેરીની સિઝનમાં આંબાવાડીયા માંથી કેરી બજાર સુધી વાહનોમાં પહોંચાડી રહ્યા છે, તેવા ખેડૂતો અને વેપારીઓ માટે અમારો આ અહેવાલ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચાલુ વાહન માંથી કેરીના બોક્સની ચોરી થઈ જાય, જો તમે આવા કિસ્સા ક્યારે સાંભળ્યા ન હોય તો તમારા માટે અહેવાલ પણ વિશેષ મહત્વનો છે જુનાગઢ પોલીસે ચાલુ વાહન માંથી 10 કિલો કેરીના બોક્સની ઉઠાંતરી કરીને ચોરી કરતા જુનાગઢના ત્રણ ઈસમોને પકડી પાડીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સીસીટીવીથી ગુનો ઉકેલાયો: ખૂબ જ નવાઈ પમાડે તે પ્રકારે ચાલુ વાહન માંથી કેરીના બોક્સની ચોરી થવાના કિસ્સામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ધાવા ગીરના ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથક તપાસ કરી રહ્યું હતું. ત્યારે જુનાગઢ શહેરમાં લગાડેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી તપાસતા રાત્રિના સમયે કાળવા ચોક થી એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ વાહને ત્રણ એકટીવા ચાલક યુવાનો બોલેરો જીપ માંથી ૧૦ કિલો કેરીના બે બોક્સની ચોરી કરીને આબાદ જતા હોય તે રીતે કેમેરામાં કેદ થયા હતા. જેમને પકડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી હતી.
કેરીના 19 બોક્સની ચોરી : જુનાગઢ જિલ્લા પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કેરી ચોરીના કિસ્સા ની વિગતો આપવામાં આવી છે, તે મુજબ કેરીના બોક્સની ચોરી કરીને એકટીવા પર જતા ત્રણ યુવાનો જેમાં વિજય ચુડાસમા, વિવેક સાગઠીયા, અને કરણ સોમાણીની પોલીસે અટકાયત કરી છે. પોલીસ પકડમાં રહેલા આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, અત્યાર સુધીમાં તેમણે દસ કિલો કેરીના 19 બોક્સની ચોરી કરી છે. જેની બજાર કિંમત ૧૯ હજાર રૂપિયા થવા જાય છે પોલીસ દ્વારા કેરી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવતા જ સમગ્ર મામલો જુનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન પણ બની રહ્યો છે.