સુરત: પ્રાપ્ત માહિતી મુજબ મુળ જુનાગઢના જસદણના વતની અને હાલ કતારગામ સંત જલારામ સોસાયટીમાં રહેતા જશુભાઈ નારીગ્રા હાલ નિવૃત્ત જીવન વિતાવે છે. જશુભાઈને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને આવ્યો હતો. તે દરમિયાન સવારે મોપેડ પર વેડરોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે બેફામ ચલાવતા ટ્રક ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું. સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજા બનાવમાં સ્મીમેર હોસ્પિટલની સામે BRTSના રૂટ નજીક પાળા પાસે અજાણ્યો પુરૂષ ગુરૂવારે બપોરે ઊભો હતો, જેને પુરપાટ ઝડપે આવતી એસટી બસે અડફેટમાં લીધો હતો. અકસ્માતને પગલે અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું. પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
ત્રીજા બનાવમાં સચીન નવા હળપતિવાસમાં રહેતા 22 વર્ષીય અજય બાબુભાઈ રાઠોડ શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો. દરમિયાન ગુરૂવારે રાતે સચીન-પારડી રોડ પર પગપાળા પસાર થતો હતો, ત્યારે એક ટેમ્પોએ અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાને પગલે અજયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.