સુરત : શહેરના વિવિધ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે. શહેરમાં આવા ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં દામકા ગામના યુવકે ONGC બ્રિજ પરથી, કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી ડિંડોલીના યુવકે અને બે દિવસ પહેલા અમરોલી બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી.
- ઘટનાસ્થળ 1 : ONGC બ્રિજ
પ્રાપ્ત જાણકારી મુજબ ગત ગુરૂવારની સવારે મગદલ્લાના ONGC બ્રિજ પરથી હજીરાના દામકા ગામના 30 વર્ષીય જિજ્ઞેશ નટવર પટેલે તાપી નદીમાં છલાંગ લગાવી હતી. યુવક ઈકો ગાડી લઈને ONGC બ્રિજ પર પહોંચ્યો અને ગાડી બ્રિજની બાજુમાં પાર્ક કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
આ અંગે ફાયર કંટ્રોલમાં જાણ કરતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમના જવાનોએ તાપી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ યુવાન બેંકના લોનના હપ્તા બાઉન્સ થતાં ટેન્શનમાં હતો, તેથી તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી છે. આ મામલે ઇચ્છાપોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
- ઘટનાસ્થળ 3 : કેબલ બ્રિજ
બીજા બનાવમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ભૌતિક ગણેશભાઈ જાદવ ગુરુવારે બપોરના સમયે બાઈક લઈ કેબલ બ્રિજ પર પહોંચી ગયો હતો. બ્રિજ પર જ બાઈક તથા મોબાઈલ મૂકી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તાપી નદીમાં આ યુવકની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તાપી નદીમાં પાણીના વહેણમાં તણાઈ જતા તેની પણ કોઈ ભાળ મળી નહોતી.
- ઘટનાસ્થળ 1 : અમરોલી બ્રિજ
ત્રીજા બનાવમાં ગત 30 જુલાઈએ બપોરે અમરોલી બ્રિજ પરથી 18 વર્ષીય ભરત પ્રકાશભાઈ સોલંકીએ તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. જેની શોધખોળ દરમિયાન વારીગૃહ કતારગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનો કબજો કતારગામ પોલીસને સોંપ્યો હતો. મૃતકના પિતા સુરત મનપામાં નોકરી કરે છે અને તેને અન્ય એક ભાઈ છે. મૃતક બેરોજગાર હતો. વધુ તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.