જૂનાગઢ: 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા જૂનાગઢના 3 બાઈક સવાર બીપીનભાઈ જોશી, અરજણભાઈ ભાટુ અને જયસુખભાઈ મકવાણા નીકળી પડ્યા હતા. જેમાં તેમણે 30 દિવસમાં 9,640 કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે જુનાગઢ પરત ફર્યા હતાં. અમરનાથ યાત્રી મંડળ અને બીપીનભાઈ, જયસુખભાઈ અને અરજણભાઈના પરિવારો દ્વારા બાઈક સવારોનું ખૂબ જ ઉમળકાભેર કુમકુમ તિલક સાથે જૂનાગઢમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ પણ બીપીનભાઈ જોશી સાયકલ પર બાર જ્યોતિર્લિંગની યાત્રા અને અમરનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે, ત્યારે આ ત્રણેય મિત્રોએ એક મહિનાની અંદર બાર જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ કરી છે. જેમાં તેમણે 9,640 કિલોમીટરનું અંતર ભારતના અલગ અલગ રાજ્યોમાં કે જ્યાં જ્યોતિર્લિંગ બિરાજમાન છે, ત્યાં દર્શન અને પૂજા કરીને આ યાત્રાને પૂર્ણ કરી હતી.
30 દિવસમાં કાપ્યું 9,640 kmનું અંતર: બીપીનભાઈ, જયસુખભાઈ અને અરજણભાઈએ 30 દિવસની અંદર બાઈક પર 9,640 kmનું અંતર કાપ્યું છે. તેઓ 10મી જૂનના દિવસે જુનાગઢથી યાત્રા માટે નીકળી ગયા હતા. આ ત્રણેય વયોવૃધ્ધ 10 મી જુલાઈના રોજ જૂનાગઢ પરત ફર્યા છે. આ યાત્રા સોમનાથથી શરૂ થઈ હતી, અને બદ્રીનાથમાં પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન તેમને ગરમી અને કેટલાક રાજ્યોમાં વરસાદનો પણ સામનો કરવો પડ્યો હતો.
30 દિવસની આ યાત્રા દરમિયાન માત્ર પરત ફરતી વખતે એક વખત જ અમદાવાદમાં બાઈકમાં પંચર પડ્યું હતું. આ સિવાય કોઈપણ મુશ્કેલી વગર આ યાત્રા સફળતાથી પૂર્ણ કરવામાં આવી છે. આ ત્રણેય બાઈક સવારોને કેરલ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ખૂબ જ સારો આવકાર મળ્યો હતો. ત્યાંની સ્થાનિક ભાષા અને અંગ્રેજી નહીં જાણનાર આ ત્રણેય બાઈક સવારોને ત્રણ રાજ્યોમાં ખૂબ જ ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. અને તેમની તમામ જરૂરિયાતો તેમને પુરી પાડવામાં આવી હતી. આ સિવાય તમામ જ્યોતિર્લિંગમાં દર્શન માટે લાઈનમાં ઊભા રહેવામાંથી પણ આ ત્રણેય બાઈક સવારોને મુક્તિ મળી હતી.