આણંદ : જીવનમાં કંઈક શીખવાની અને સ્વપ્ન જોવાની ઉંમરે આણંદના ત્રણ યુવાનો જાણે અજાણે ગેરકાયદેસર સીમકાર્ડ નેટવર્કનો હિસ્સો બની ગયા, તેના પરિણામની કદાચ આ યુવાનોને કલ્પના પણ નહીં હોય. આણંદ SOG પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ યુવાનો 145 જેટલા પ્રી એક્ટિવ સીમકાર્ડ ભેગા કરીને આણંદથી દુબઈ મોકલવાની તૈયારીમાં હતા. ત્રણેય યુવક એવા ગુનાને અંજામ આપતા હતા કે જેનો મોટી ગુનાહિત પ્રવૃત્તિને આકાર આપવામાં દુરુપયોગ થઈ શકે છે.
સીમકાર્ડનો કાળો કારોબાર : આણંદ LCB અને SOG પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરમસદમાં રહેતા ચિરાગ સોલંકીના ઘરે દરોડા પાડી 145 જેટલા એરટેલ કંપનીના પ્રી-એક્ટિવ સીમકાર્ડ ઝડપી લીધા હતા. તેની તપાસ કરતા આ સીમકાર્ડ ચિરાગે નાપા ગામના બે યુવાનો જૈનુલ રાઠોડ અને સમર રાઠોડ પાસેથી મેળવ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે આ બંને ગઠીયાઓને નાપાથી ઝડપી પાડી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.
તમારા નામનો દુરુપયોગ : બંને શખ્સો રોડની સાઈડમાં છત્રી લગાવીને સીમકાર્ડ સર્વિસ આપતા હતા. ત્યાંથી આ સીમકાર્ડ કોઈપણના નામે એક્ટિવ કરીને તેને 200-500 રૂપિયામાં મેળવીને ચિરાગને ઊંચી કિંમતે વેચી દેતા હતા. જે ગુનાની દુનિયામાં ઉપયોગમાં લેવા માટે આણંદથી દુબઈ મોકલવામાં આવતા હોવાનો દાવો આણંદ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આરોપીઓનો માસ્ટર પ્લાન : પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જેનુલ અને સમર આણંદ સહિત આસપાસના ગામમાં છત્રી નાખીને સીમકાર્ડ સર્વિસ આપતા હતા. જ્યાં સામાન્ય માણસના નામે સીમકાર્ડ એક્ટિવ કરીને 200-500 રૂપિયામાં ખરીદી કરતા હતા. બાદમાં આ પ્રી-એક્ટિવ સીમકાર્ડ કરમસદમાં રહેતા અને દુબઈ આવજાવ કરતા ચિરાગને ઊંચી કિંમતે વેચી દેતા હતા.
સીમકાર્ડ પહોંચતા દુબઈ : આ સીમકાર્ડને દુબઈ સુધી પહોંચાડવાનું કામ ચિરાગ સંભાળતો હતો. તેના ઘરેથી આણંદ SOG પોલીસને 145 જેટલા પ્રી-એક્ટીવ સીમકાર્ડ મળી આવ્યા છે. જે ચિરાગ થોડા સમયમાં દુબઇ જૈમીનને આપવા જવાનો હતો. હાલ સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધીને આણંદ SOG પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.
ત્રણ આરોપીને દબોચ્યા : આણંદ SOG પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આગામી સમયમાં આણંદ પોલીસ દુબઈમાં રહેતા અને ક્રિકેટના સટ્ટા-બેટિંગ સાથે સંકળાયેલા જૈમીન સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરશે. જેમાં મોટા ઘટસ્પોટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બેંકના 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ જપ્ત કર્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્કેન્ડલની શક્યતા : એક મોટો સવાલ ઉભો થાય છે કે, આ સીમકાર્ડ માત્ર મેચના સટ્ટા બજારમાં ઉપયોગમાં આવતા હતા કે તેનો અન્ય સંદિગ્ધ ગતિવિધિમાં પણ ઉપયોગ કરવામાં આવતો હતો ? કારણ કે ઘણી બધી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અથવા જાસૂસી કરતી એજન્સીઓ આ સામાન્ય નાગરિકોના નામે એક્ટિવેટ થયેલા આવા સીમકાર્ડનો દુરુપયોગ કરતા હોય છે. ઇન્ટરનેશનલ સ્કેન્ડલનો ઘટસ્પોર્ટ થવાની શક્યતા છે.