અમદાવાદ: Etv Bharat સાથે વિગતવાર જાણો ગુજરાતમાં બનેલી અત્યાર સુધીની મોટી ઘટનાઓ જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
- રાજકોટ ગેમઝોન દુર્ઘટના (25 મે 2024) - 28 લોકોના મોત
- વડોદરા હરણીબોટકાંડ (18 જાન્યુઆરી 2024) - 14 લોકોના મોત
- મોરબી બ્રિજ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022) - 135 લોકોના મોત
- તક્ષશિલા અગ્નિકાંડ (24 મે 2019) - 22 લોકોના મોત
- કાંકરિયા રાઇડ દુર્ઘટના (15 જુલાઈ 2019) - 2 લોકોના મોત
રાજકોટ ગેમઝોન દુર્ઘટના (25 મે 2024)
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 28 માણસો જીવતા ભૂંજાઈ ગયા હતા. માત્ર એક મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોખંડ-પતરાંના સ્ટ્રક્ચરથી બનેલા ૩ માળના ગેમ ઝોનમાંથી બહુ ઓછા લોકો બહાર નીકળી શક્યા હતા. અને તેને કારણે સંકુલની અંદર જ લોકો ભડયું થઈ ગયા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું. જોકે ત્યાં સુધીમાં તો રમત રમવા આવેલા બાળકો અને તેના પરિવારજનોમાંથી મોટાભાગના મોતને ભેટી ચૂક્યા હતા. મોડી રાત સુધી બચાવ અને રાહતની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી છે. પોલીસે યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
વડોદરા હરણીબોટકાંડ (18 જાન્યુઆરી 2024)
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ ધોરણ 1થી 6ના બાળકોને શાળા દ્વારા મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. પૂરતા લાઇફ જેકેટ પણ ન હતા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા હતા. જેમાં બે શિક્ષક અને 12 બાળકના મોત થયા હતા. જો કે, ફાયર વિભાગ દ્વારા 11 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પ્રથમ હાઇકોર્ટે દ્વારા 4 મહિલાઓ અને ત્યાર બાદ નીચલી કોર્ટે દ્વારા 10 આરોપીઓને જામીન મળ્યા છે. જેને લઇને પરિવારોની લડત હજુ પણ ચાલુ છે.
મોરબી બ્રિજ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022)
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ અચાનક તૂટી પડતા ગુજરાતની સૌથી મોટી માનવસર્જિત દુર્ઘટના સર્જાઇ. જેમાં 135 લોકોના મોત થયા. દુર્ઘટના બાદ પોલીસે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો. SIT દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે મોરબી પુલનું સંચાલન કરનારી ઓરેવા કંપનીના ગેરવહીવટ, ટેકનિકલ ક્ષતિઓ, ગંભીર બેદરકારી, અને નિષ્કાળજીના કારણે મોરબીનો આ ઝૂલતો પુલ તૂટ્યો હતો. જયસુખ પટેલ સામે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પરિવારોની આંખો હજી ન્યાય માટે તરસી રહી છે.
તક્ષશિલા અગ્નિકાંડ (24 મે 2019)
આજથી પાંચ વર્ષ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બની. તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એરકન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી. જાહેરાત લાગેલી વિશાળ પેનલ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ત્રીજા માળે ક્લાસરૂમમાં છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે આગ ભયાનક રીતે ફેલાઈને ચોથા માળે પહોંચી હતી. જેમાં 6થી વધુ વિદ્યાર્થીઓ જીવતા ભુંજાયા હતા જ્યારે બીજા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, એમાં પણ અમુક વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં કુલ 22 બાળકોના જીવ ગયા હતા.
કાંકરિયા રાઇડ દુર્ઘટના (15 જુલાઈ 2019)
કાંકરિયા તળાવ સંકુલમાં એડવેન્ચર રાઇડ તૂટી પડવાા કારણે બે વ્યક્તિના મોત અને આશરે ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાના મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાઈડ્સ તૂટવા મામલે રાઈડ્સના ફિટનેસ સર્ટીમાં ગંભીર બાબતો સામે આવી હતી.