જૂનાગઢ: વર્તમાન સમયમાં ખેડૂતો અને લોકો પ્રાકૃતિક ખેતીને લઈને હવે જાગૃત બની રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત જતીન સોલંકીએ વર્ષ 2021 થી ખેતી પદ્ધતિમાં ફેરફાર કરીને અન્ય કૃષિ પાકોની સાથે મધની ખેતી પણ શરૂ કરી છે જેમાં આજે તેને ખૂબ સારી સફળતા મળી રહી છે. અંદાજિત 275 જેટલી કુત્રિમ પરંતુ પ્રાકૃતિક રીતે મધ એકઠું કરવાની પેટીઓ આવેલી છે. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મધની ખેતી અને તેના ઉત્પાદન માટે રાખવામાં આવી છે. જતીન સોલંકી પ્રતિવર્ષ મધ પેટીઓ મારફતે અંદાજિત 2.50 થી લઈને 2.75 ટન જેટલા મધનું ઉત્પાદન કરીને મધની ખેતી થકી સારું આર્થિક હુડિયામણ મેળવે છે.
પ્રતિ વર્ષ 2.75 ટન મધનું ઉત્પાદન: પ્રાકૃતિક મધ પેટીઓમાં એપિસ મેલીફેરા નામની ઇટાલિયન મધમાખી દ્વારા મધનું ઉત્પાદન થાય છે પ્રત્યેક મધપેટીમાં રાખવામાં આવેલી 08 ફ્રેમમાં 4 હજારથી 5 હજાર જેટલી સામાન્ય મધમાખીઓની સાથે એક રાણી માખી રાખવામાં આવતી હોય છે. ખૂબ સારી સીઝનમાં એક મધપેટીની આઠ ફેમમાંથી એક મહિના દરમિયાન અંદાજિત 05 થી 06 કિલો શુદ્ધ અને પ્રાકૃતિક મધ પ્રાપ્ત થતું હોય છે. જેની પાછળ એક વખતના ખર્ચમાં એક મધ પેટી તૈયાર કરવા પાછળ અંદાજિત સાડા ત્રણ હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો ખર્ચ પણ આવતો હોય છે.
મધ પ્રાકૃતિક અને સંપૂર્ણ આહાર: શાસ્ત્રો અને આયુર્વેદમાં પણ મધને પ્રાકૃતિક અને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. જેથી દિવસે દિવસે મધની જરૂરિયાત વધી રહી છે. જતીન સોલંકી મધ સિવાય મધમાંથી બનતું ગુલકંદ અને હનીશોપ નટનું પણ ઉત્પાદન કરે છે. સ્થાનિક લેવલે તલ અને મલ્ટિફ્લોર મધ સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થાય છે. આ સિવાય મધ પેટીઓ હળવદ, જામનગર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ મોકલવામાં આવે છે.
તુલસી અને લિંચીનું મધ પ્રાપ્ત કરવા માટે મધ પેટીઓને ગુજરાતની બહાર તુલસી અને લીચીના વાવેતર વિસ્તાર તરફ મોકલવામાં આવે છે. તલ મલ્ટીફલોરાની સાથે અજમા, ધાણા, સુવા, રાઈ, વરિયાળી અને સૂર્યમુખી જેવા પાકોના વાવેતરમાંથી આ પ્રકારના વનસ્પતિ કે કૃષિજન્ય પાકોનુ મધ પણ મેળવવામાં આવે છે. જેને પ્રાકૃતિક રીતે પણ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.