કચ્છ: ભુજ તાલુકાનું માધાપર ગામ કે જે ભુજના પરા તરીકે જ ગણાતું હોવાથી તથા દરબાર ખાલસા ગામ હોવાથી આ ગામના વિકાસ તરફ રાજય તરફથી ધ્યાન અપાતું રહ્યું હતું. તેથી અહીં પણ ઈ. સ. 1884માં કોરી 20,455 ના ખર્ચે રાજ્ય તરફથી સ્થાપત્યસભર કલાત્મક થાંભલાથી શોભતી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ શાળાના સામેના ભાગમાં મહારાવશ્રી ખેંગારજી ત્રીજાના સમયમાં તેમના દીવાન મણીભાઈ જશભાઈએ લોકોપયોગી એક સુશોભિત જળાશય- સેલોર વાવ મહારાવશ્રીના માતૃશ્રી નાનીબાના સ્મરણાર્થે સને 1884માં બંધાવી આપી હતી. ગામવાસીઓ અને વટેમાર્ગુઓને પીવાના પાણી માટે ઉપયોગમાં આવતી આ વાવ રાજાશાહી બાદ મરંમતના અભાવે બિનઉપયોગી થતાં તેમાં પાણી આવવાનું બંધ થઈ ગઈ ગયું હતું.
દેવનાગરી લિપિમાં લખાયેલો શિલાલેખ: આ સેલોરમાં ઉતરતાં પહેલા પડથારની ડાબી તરફ કલાત્મક ગોખમાં દેવનાગરી લિપિમાં લખાયેલો શિલાલેખ મુકાયેલો છે તેનું લખાણ આ પ્રમાણે છે : આ સેલોર વાવ કચ્છ દેશાધિપતિ મહારાજ ધિરાજ મિરજા મહારાઓશ્રી ખેંગારજી સવાઈ બહાદુર એમના માતૃશ્રી મહારાણીશ્રી નાનીબા સાહેબના પવિત્ર સ્મણર્થિ ગુજરાત પ્રાંતના પેટલાદ ગ્રામવાસી વડનગર નાગર બ્રાહ્મણ દીવાન બહાદૂર મણભાઈ જશભાઈ કચ્છના દીવાન તરફથી માનપૂર્વક અર્પણ કરવામાં આવી છે.
મણિભાઈ જશભાઈ દીવાનપદે: ઉલ્લેખનીય છે કે, મણિભાઈ જશભાઈ કચ્છમાં 1879 થી 1880 અને 1883 થી 1885 સુધી દીવાનપદે રહ્યા હતા. 1885 થી 1899 દરમિયાન તેઓએ વડોદરા રાજ્યનું દીવાનપદ સંભાળ્યું હતું. આણંદ જિલ્લાના પેટલાદના વતની એવા મણિભાઈ જશભાઈ ખૂબ વિદ્વાન, ધર્મનિષ્ઠ, ચારિત્ર્યવાન, કાબેલ રાજદ્વારી અને વિદ્યાપ્રેમી અમલદાર હતા. મહારાવ ખેંગારજી ત્રીજા તથા રાજયકુટુંબને મણિભાઈ પ્રત્યે ખૂબ માનની લાગણી હતી.
2005માં જીર્ણોદ્ધાર: માધાપરની માધાવાવ રાજાશાહી વખતમાં બંધાયેલી છે. વર્ષ 2005 દરમિયાન આ વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ઐતિહાસિક કલા-સ્થાપત્યના સ્મારકોની જાળવણી અને નવીનીકરણની કામગીરીને લીધે આ જગ્યા સુંદર બની છે. આ સેલોર પાસે નાનો બગીચો પણ બનાવાયો છે.
સેલોરની વિશેષતા: આ સેલોર 40 ફૂટ ઊંડી અને બેનમૂનેદાર કમાનો તથા છતેડી એટલે કે પ્રવેશ મંડપ સહિતના મોહક શિલ્પવાળું કલાત્મક સ્થાપત્ય ધરાવે છે. તેનો પ્રવેશ મંડપ શિલ્પ મંડિત છે અને રાત્રે તે લાઈટિંગથી ઝળાંહળાં થઈ ઊઠે છે. તેના છજા નીચે એક તરફ દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે, બીજી તરફ મહારાણીશ્રી નાનીબા અને ત્રીજી તરફ રાવ કોતરાયેલું છે. આ સેલોરમાં 51 જેટલા પગથિયા આવેલાં છે અને તે 8 ફૂટ લાંબા છે. 12 ફૂટનો વ્યાસ ધરાવતા કૂવા પર પાણી સીંચવાના ટોડા નજરે પડે છે. બહારના ભાગમાં હવાડો પણ બનાવાયો છે. હાલ આ સેલોરમાં પાણી નથી અને વપરાશ પણ નથી. અગાઉ કૂવા પાસે સ્તંભાકાર ચબૂતરા જેવું ઘાટીલા શિલ્પવાળું સ્થાપત્ય પણ હતું, જે હવે જોવા મળતું નથી. વાવના પ્રકારની દૃષ્ટિએ આ નંદા પ્રકારની વાવ છે.
સ્ટેપવેલ ટુરિઝમ: દેશના અન્ય રાજ્યમાં આવેલી સેલોર પાસે કેફે જેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.