બારડોલી: જિલ્લાની લોકસભા બેઠક માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા બારડોલી લોકસભા બેઠક પર ત્રણ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના પ્રભુ વસાવા, કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરી આગામી ચૂંટણીમાં ચૂંટણી મેદાને ઉતરશે, જે અંગેની માહિતી આપવાને માટે આજે આ બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી એ પત્રકાર પરિષદ યોજી ચૂંટણી લક્ષી માહિતી આપી હતી.
કેટલા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા: લોકસભા સામાન્ય ચૂંટણીના કામે ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ મુજબ 23 બારડોલી લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસો દરમ્યાન કુલ 5 ઉમેદવારો દ્વારા કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.20 એપ્રીલના રોજ કરવામાં આવતા કુલ 9 ઉમેદવારી ફોર્મ પૈકી કુલ 7 ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. તેમજ કુલ 2 ઉમેદવારી ફોર્મ પૈકી એક ઉમેદવારી ફોર્મ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તથા એક ઉમેદવારી ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું વૈકલ્પિક ઉમેદવારનું ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે: આજ રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. પરંતુ એકપણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા નથી તેથી 23 બારડોલી લોકસભા બેઠક માટે (1) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી (2) ભારતીય જનતા પાર્ટીના પ્રભુ વસાવા (3) બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરી સાથે કુલ 3 હરીફ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.