સુરત: જિલ્લાના માંડવી તાલુકાના જૂના ગંગાપુર ગામે સ્મશાન જવાના રસ્તાના અભાવે ગ્રામજનો દિવસેને દિવસે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ સમસ્યા વધુ તીવ્ર બની છે. થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડિયોમાં ગ્રામજનો મૃતદેહને કાદવ કિચડમાંથી પસાર કરી સ્મશાન લઈ જતા દર્શાવવામાં આવ્યું છે.
સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી લોકો હેરાન: માંડવી તાલુકાના જૂના ગંગાપૂર ગામમાં સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી અહીના લોકોને મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્મશાને જવા કાદવ કીચડમાંથી અથી લઈને પસાર થવું પડે છે અને આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ગ્રામજનો મૃતદેહને એક લાકડી પર બંને છેડે કાપડ બાંધી લઈ જતા જોવા મળી રહ્યા છે.
રજૂઆતો કરવા છતાં કામગીરી નથી થઇ: અનેક વખત રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ કામગીરી નહીં કરતા ચોમાસે લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. જૂના ગંગાપુર ગામના સરપંચે જણાવ્યુ હતું કે, આ મામલે અગાઉ માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બંને વિભાગના અધિકારીઓએ તપાસ પણ કરી છે. પરંતુ હજી સુધી કોઈ કામ થયું નથી. ગ્રામજનો આ માર્ગ વહેલી તકે બને તેવી માંગ કરી રહ્યા છે.
વનવિભાગ દ્વારા રસ્તો બનાવવા પરમિશન અપાશે: વન વિભાગ સુરત DFO આનંદ કુમારે જણાવ્યું હતું કે, વન વિભાગમાંથી જૂના ગંગાપુર ગામમાં જવાનો કાચો રસ્તો પસાર થાય છે અને રસ્તો પાકો બનાવવા માટે દરખાસ્ત મળશે તો પરમિશન આપીશું. અગર વિભાગીય ઉપલી કક્ષાએથી પરમિશન મેળવવાની હશે તો તે માટે પણ મારા તરફથી પૂરી કોશિશ રહેશે.
આ પણ વાંચો: