રાજકોટ : શહેરના કરણપરા વિસ્તારમાં આજે વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઘર માલિકના જણાવ્યા અનુસાર આશરે 75 હજાર રોકડ અને 15 લાખના દાગીનાની ચોરી થઈ છે.
કરણપરામાં તસ્કરો ત્રાટક્યા : શહેરના કરણપરા 13/14 ના કાટખૂણાવાળા મકાનમાં ચોરી થઈ છે. જેમાં 75 હજારની રોકડ રકમ તેમજ 15 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી થઈ હોવાની ઘટના બની હતી. આ અંગે જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. વેપારીનો પરિવાર બહાર હતો તે દરમિયાન ઘરમાં ચોરી થઈ હતી.
લાખો રૂપિયાની ચોરી : ઘર માલિક કેકીન શાહે જણાવ્યું હતું કે, શનિવારના રોજ અમારા ઘરમાં ઉધઈની દવાનો છંટકાવ કરવા માટે ત્રણ લોકો આવ્યા હતા. દવાનો છંટકાવ કર્યા બાદ તેઓ જતા રહ્યા. પછી અમે નજીકમાં જ રહેતા સગાના ઘરે રહેવા માટે ગયા હતા. આજે સવારે 10:00 વાગે ઘરે પરત ફરતા ચોરી થયાનું સામે આવ્યું હતું. બાદમાં પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને આગળ તપાસ હાથ ધરી હતી.
CCTV ફુટેજમાં તસ્કરો કેદ : પરિવાર નજીકમાં જ સગાના ઘરે રહેવા માટે ગયો હતો. સવારે પરત ફરતા ઘરમાં ચોરી થયાનું સામે આવ્યું હતું.પોલીસે પ્રાથમિક તપાસમાં CCTV કેમેરા તપાસ્યા હતા. જેમાં ત્રણ જેટલા લોકો આજે વહેલી ચારથી પાંચ વાગ્યા આસપાસ ઘરમાં ચોરી માટે પ્રવેશે છે અને પરત તેઓ જાય છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.