ભાવનગર: ભાવનગરનો એક એવો પ્રોજેકટ જેના નામ બદલાયા અને ખાતમુહૂર્તો પણ થયા, જેને 15 વર્ષ કરતા વધુ સમય થવા છતાં પ્રોજેકટ પૂર્ણ થયો નથી આ પ્રોજેકટ એટલે કંસારા પ્રોજેકટ. જેને ચૂંટણીમાં વારંવાર મુદ્દો બનાવાયો અને હજુ પણ પ્રોજેકટ પૂર્ણ થયો નથી. કંસારા નદી શહેરમાંથી નીકળે છે, જેના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાતો થતી રહી પણ 15 વર્ષ બાદ પણ શહેરીજનોને તેનો લાભ મળ્યો નથી. સ્થાનિકો,વિપક્ષ અને મહાનગરપાલિકા શુ કહે છે, તે વિશે અહીં આપને વિસ્તારથી જણાવી રહ્યાં છીએ.
કંસારા પ્રોજેકટનો મુદ્દો ક્યાંથી શરૂ થયો: ભાવનગરના પશ્ચિમમાંથી નીકળીને પૂર્વમાં પૂર્ણ થતી કંસારા નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત પૂર્વ સમયના ભાવનગર પૂર્વના ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીના મુખે વાત નીકળી હતી. શરૂઆતમાં ધારાસભ્ય થકી બનાવવાની હતી.પરંતુ બાદમાં ધારાસભ્ય બદલાયા અને વિભાવરીબેન દવે આવ્યા, આમ કરીને વાતો અને ચૂંટણીનો મુદ્દો બનતો રહ્યો. કંસારા નદી બોરતળાવમાંથી શરૂ થઈને દરિયામાં પૂર્વ વિસ્તારની ખાડીમાં પૂર્ણ થાય છે. વાતો થઈ, ચૂંટણીમાં મુદ્દા બન્યા પણ પ્રોજેકટ આજે પણ પૂર્ણ થયો નથી.
કંસારા મુદ્દે વિપક્ષ અને સ્થાનિકોના સરકારને સવાલ: ભાવનગર કંસારા પ્રોજેક્ટને લઈને ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, 27 વર્ષના શાસનમાં દર વખતે ચૂંટણી આવે એટલે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પહેલા શુદ્ધિકરણ અને વચ્ચે નવીનીકરણ અને હવે સજીવિકરણનું નામ આપીને ત્રણ વખત ખાતમુહૂર્ત કર્યા છે. હજુ પ્રોજેક્ટ અડધો થયો છે. તેમાં પણ ઝાડવા નીકળી ગયા છે અને હજુ અડધો બાકી છે. આખા દેશમાં એકમાત્ર ભાવનગર હશે જેમાં એક પ્રોજેક્ટના ત્રણ વખત ખાતમુહૂર્ત થયા જેના ખાતેદાર આ લોકો હશે.
શું કહે છે સ્થાનિકો: કંસારા કાંઠે રહેતા લોકોની 20 વર્ષથી પીડા: કંસારા નદી બોરતળાવમાંથી નીકળીને દરિયામાં ભળે છે, શહેરના રહેણાક વિસ્તારમાંથી પસાર થતી કંસારા નદીના કાંઠે હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અનેક સોસાયટીઓ આવેલી છે. ત્યારે કંસારા નદીમાં વહેતા ગટરના પાણીને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. વર્ષોથી શુદ્ધિકરણની વાતો વચ્ચે હજુ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો. ત્યારે કંસારા નદીના કાંઠે તિલકનગરમાં રહેતા કિશનભાઇ સભાડે જણાવ્યું હતું કે હું તિલકનગરમાં રહું છું અમારે ત્યાં મચ્છરોનો ત્રાસ છે, એટલી લીલ જામી ગઈ છે જેના કારણે મચ્છરોનો ત્રાસ રહે છે. અમે 20 વર્ષથી રહીએ છીએ કોઈ મહાનગરપાલિકા કે અર્બન વાળા હજુ સુધી આવ્યા નથી. કેનાલ બનાવી દેતા નથી જેના કારણે મચ્છરનો ત્રાસ દૂર થાય. નવી કેનાલ બનાવી છે પણ મચ્છરોનો ત્રાસ તેમનો તેમ છે.
મહાનગરપાલિકા પાસે 2020થી પ્રોજેકટ: છેલ્લા 15 વર્ષથી કંસારા શુદ્ધિકરણની વાતો થઈ રહી છે, ત્યારે હવે જમીન ઉપર કામ ભાવનગર મહાનગરપાલિકાને સોંપ્યા બાદ 2020 થી શરૂ થયું છે. કંસારા પ્રોજેક્ટ હવે ફેઝ વન અને ફેઝ ટુ માં થવા જઈ રહ્યો છે. યોજના વિભાગના અધિકારી સૂર્યદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ફેઝ વનમાં 41 કરોડ સરકારે આપ્યા હતા. જેમાંથી 32 કરોડનું કાર્ય એટલે કે ખર્ચ થઈ ચૂક્યો છે. જેમાં ડ્રેનેજ લાઈન, બંને કેનાલ એક્શન, ફોલ સ્ટ્રક્ચર, જાળી નાખવી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું કામ ચાલુ છે.જ્યારે વિરાણી બ્રિજ થી કામ ચાલુ છે. માલધારી પાસે ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. નચિકેતા સ્કૂલથી તિલકનગર ડાબાકાંઠાની ડ્રેનેજ લાઈન, રામમંત્ર મંદિર થી તિલકનગર જમણા કાંઠાની ડ્રેનેજ કામ ચાલુ છે. વધુ 10 કરોડના એક્સેસ હોવાને કારણે ફેજ વન 52 કરોડનો થશે. જ્યારે ફેજ ટુ ના 39 કરોડની સરકારે કિંમત ફાળવી દીધી છે અને હાલ ડીપીઆર બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે તિલકનગર થી રૂવાપરી એસ.ટી.પી સુધી બનાવવાનો છે.જો કે આ પ્રોજેકટમાં કુલ 5773 ચોરસ મીટર જમીન સંપાદન પણ હજુ બાકી છે.