ગાંધીનગર: પ્રેમમાં અંધ બનતી પરણીતાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો ગાંધીનગરથી પ્રકાશમાં આવ્યો છે. પ્રેમી માટે પોતાના લગ્નજીવનમાં આગ લગાડનાર પરણીતાના જીવનનો કરુણ અંજામ આવ્યો છે. ગાંધીનગરમાં સિનીયર સનદી અધિકારીના પત્નીએ તારીખ 20મીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદ તારીખ 21મીએ સવારે સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયુ હતું. આપઘાતના આ બનાવમાં પોલીસ દ્વારા તમિલનાડુ સ્થિત તેના પરિવારજનોને જાણ કરવાની સાથે તપાસ શરૂ કરી છે. મૃતકની બેભાનાવસ્થાને કારણે તેમનું મરણોન્મુખ નિવેદન લઇ શકાયુ ન હતું.
ગુજરાત વિજ નિયમન પંચ (જર્ક)માં સેક્રેટરી એવા સિનીયર આઇએએસ ઓફિસર રણજીતકુમારના પત્ની સુર્યાબહેને પાટનગરમાં સેક્ટર 19માં ઝેરી દવા પી લઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા બેભાન હાલતમાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસ સહિતના સરકારી તંત્રના અધિકારીઓ રીતસર દોડતાં થઇ ગયા હતાં.
પોલીસ ઉપરાંત મામલતદાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પરંતુ તેઓ બેભાન હોવાના કારણે પોલીસ તેમનું નિવેદન લઇ શકી ન હતી. ઉપરાંત મામલતદાર ડાઇંગ ડેક્લેરેશન લઇ શક્યા ન હતાં.
દરમિયાન તારીખ 21મીએ સવારે સુર્યાબહેનનું મૃત્યુ થયુ હતું. પોલીસ દ્વારા આ સંબંધે તમિલનાડુ સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ગાંધીનગર આવ્યા બાદ પોલીસ દ્વારા મૃતદેહ સોંપવામાં આવશે. ત્યારે નોંધવું રહેશે કે, અણબનાવના કારણે આ પતિ પત્ની જુદા રહેતા હતાં. બીજી બાજુ પોલીસ દ્વારા સુર્યાબહેનના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર, મધુરાઈના માથાભારે ઈસમ સાથે સૂર્યાબેનનો પ્રેમ સંબંધ હતો. સુર્યાબેનના પ્રેમીએ 75 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ગુનેગાર પ્રેમી જેલમાં જતો રહ્યો હતો. તેથી વ્યાજખોરોએ 75 લાખની પઠાણી ઉઘરાણી સૂર્યાબેન પાસે કરી હતી. તેઓ સુર્યાબેનને ટોર્ચરીંગ કરતા હતા. સુર્યાબેને મદુરાઈમાં આવેલું પોતાનું કોમ્પ્લેક્સ અને એક પાર્લર પણ વ્યાજખોરોના દબાણમાં આવીને વેચી દીધું હતું. છતાં પણ વ્યાજખોરો સૂર્યાબેન પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા. તેથી તેમણે જેલમાં બંધ પ્રેમી સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હતા. તેઓ ભાગીને મદુરાઈથી બેંગલોર આવી ગયા હતા.
સબંધ કાપી નાખતા જેલમાં બંધ સૂર્યાબેનનો પ્રેમી ખૂબ ગુસ્સે ભરાયો હતો. થોડા દિવસમાં તે જેલમાંથી ભાગી ગયો હતો.
જેલમાંથી ભાગેલા આ પ્રેમીએ બાળકનું અપરણ કર્યું હતું. પ્રેમીએ બાળકના વાલી પાસેથી મોટી રકમની ખંડણી માંગી હતી. બાળક અપહરણનો આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે સૂર્યાબેનના પ્રેમીને ઝડપી પાડ્યો હતો. પ્રેમીએ અપહરણ કેસમાં સૂર્યાબેનનું નામ પણ લખાવી દીધું હતું. સૂર્યાબેને તેના પ્રેમી સાથે સંબંધ કાપી નાખ્યો હોવાથી તેને સૂર્યાબેનનું નામ પોલીસમાં લખાવી દીધું હતું. તેથી સૂર્યાબેન ગભરાઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેઓ માનસિક તાણમાં રહેતા હતા. તેમણે માનસિક તાણમાં આવીને અંતિમ પગલું ભર્યું હોવાની સંભાવના છે.
સૂર્યાબેને તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીનને સંબોધીને તમિલ ભાષામાં સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટ સ્થાનિક મીડિયામાં પણ તેમણે મોકલી હતી. સમગ્ર કેસમાં તામિલનાડુ અને ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર પ્રકરણમાં ગાંધીનગર જિલ્લા એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, સુર્યાબેન વિરુદ્ધ તમિલનાડુમાં બાળકના અપહરણનો ગુનો નોંધાયો છે. તેમના વ્યક્તિગત જીવન વિશે વધુ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
નવસારી જિલ્લામાં ભારે વરસાદ, નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ - Road closed due to rains in Navsari