મોરબી: મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા વરસાદના કારણે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે પરંતુ વરસાદી પાણી મોરબી જિલ્લાના માળીયામાં આવેલ મીઠા ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા લોકોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. નાના અગર ધરાવતા લોકો પર જાણે કે મુસીબત ઓછી થવાનું નામ ન લેતું હોય તેમ વર્ષ 2017 માં પણ વરસાદી પાણીએ માળિયા પંથકમાં વિનાશ વેર્યો હતો. એક તો સતત પડેલા વરસાદના કારણે પાણી ભરાયા હતા અને ઉપરથી મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી દરિયામાં વહી જવાના બદલે માળીયામાં આવેલ મીઠા ઉદ્યોગમાં ઘુસી જતા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે.
600 જેટલા મીઠા ઉત્પાદકો ચિંતામાં: માળીયા મિયાણા વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હતો. મોરબી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જીલ્લામાં આવેલા તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા. મોરબીના વાંકાનેરના મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તે પાણી માળિયા વિસ્તારમાં આવેલા મીઠાના અગરોમાં ઘુસી ગયું હતું. વરસાદી પાણીના કારણે મીઠાના અગરોમાં અને ફેકટરીઓમાં તૈયાર પડેલો મીઠાનો જથ્થો નાશ પામ્યો હતો, અગરના પાળા તૂટી ગયા, અગરમાં જવાના રસ્તાઓ તૂટી ગયો અને મીઠા ઉદ્યોગમાં રહેલી મશીનરીને મોટું નુકસાન થયું હતું.
માળિયા વિસ્તારમાં અંદાજીત 500 જેટલા 10 એકર વાળા અગરિયાઓ તેમજ 100 જેટલા નાના, મધ્યમ અને મોટા કારખાનાઓ આવેલા છે કે જેઓ મીઠાનું ઉત્પાદન કરે છે. જો હવે વરસાદ ન આવે તો આ અગરના તૂટી ગયેલા પાળા અને રસ્તાઓ રીપેર કરતા જ તેમને દોઢ થી બે મહિના સુધીનો સમય લાગી શકે છે.
ભારતમાં ગુજરાતનું 95 ટકા મીઠાનું ઉત્પાદન: સમગ્ર ભારતમાં ઉત્પાદન થતું મીઠાના ઉત્પાદનમાં ગુજરાત એકલું 75 ટકા જેટલું મીઠાનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાં વર્ષ 2023-24 માં 282 લાખ ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. વરસાદ પહેલા 110 થી 140 લાખ ટન જેટલું મીઠાનો તૈયાર સ્ટોક પડ્યો હતો. ત્યારે ભારે વરસાદના કારણે તૈયાર માલમાંથી 30 થી 75 ટકા જેટલો માલ પાણીમાં વહી ગયો હતો.
મીઠા ઉદ્યોગમાં મોટી નુકસાનીની સીધી અસર માત્રને માત્ર અગરમાં કામ કરતા અગરિયાઓ એટલે કે મજૂરો પર પડશે. માળીયા અને તેની આસપાસના આઠ થી દશ ગામના લોકો મીઠા ઉદ્યોગમાંથી પોતાની રોજીરોટી મેળવે છે. હાલની પરિસ્થિતિ જોતા છ સાત મહિના આ ઉદ્યોગ શરૂ થાય તેવા સંકેતો નથી જેના કારણે મીઠામાં કામ કરતા કામદારોને રોજીરોટી માટે ઠેર ઠેર ભટકવાનો વારો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
માળિયામાં 40 થી 45 લાખ ટન મીઠાનું ઉત્પાદન: ભારતમાં 75 ટકા મીઠું એકલા ગુજરાતમાં ઉત્પાદન થાય છે. ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતું કચ્છ પ્રથમ નંબરે અને બીજા નંબર પર માળીયા આવે છે. માળીયામાં દર વર્ષે અંદાજીત 40 થી 45 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. ગત વર્ષ બીપરજોય વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને ભારે નુકશાન થયું હતું. જયારે આ વર્ષે પણ ભારે વરસાદ અને મોરબીના મચ્છુ ડેમમાંથી છોડવામાં આવેલ વિપુલ માત્રામાં પાણી ના કારણે મીઠાના અગરો દરિયા જેવા થઈ ગયા હતા.
દેવ સોલ્ટના જનરલ મેનેજરે કહ્યું હતું કે ભારે માત્રામાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા મીઠાના અગરોમાં આઠ થી દસ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. હાલમાં થયેલા નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે કારણ કે હજી પાણી પૂરતા પ્રમાણમાં ઓસર્યા નથી એટલે પાણી ઓસરી ગયા પછી સર્વે કરવામાં આવશે ત્યારબાદ નુકસાનીનો સાચો આંક બહાર આવશે.
ભારે વરસાદે મીઠાના હાલ બેહાલ: ભારે પડેલા વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે ભારતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતો ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં જ્યાં નાના અને મધ્યમ કદના મીઠાના એકમોને એક વર્ષ જેટલો સમય લાગશે ત્યારે દશ એકરમાં મીઠું પકવતા અગરિયાઓ એ ભારે મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે.