કરછ: માધાપરના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે રાજ્યકક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ હેઠળ દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જેમાં સમગ્ર રાજ્યના 28 જીલ્લાઓમાંથી સ્પેશિયલ ખેલાડીઓેએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારત દેશ તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો અને સાબિત કરી બતાવ્યું હતું કે, ચેસ રમવા માટે માત્ર વિઝિબિલિટી નહીં પરંતુ વિઝનની જરૂર હોય છે.
સમગ્ર ગુજરાતમાંથી દ્રષ્ટિહીન ચેસ સ્પર્ધકો આવ્યા: હાલમાં રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાંથી 90 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા કચ્છના માધાપર ખાતે આવેલા શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે યોજવામાં આવી છે. દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ દ્રષ્ટિની ક્ષતિ હોવા છતાં પોતાની કુશળતાથી ચેસની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે.
ભારતનું પ્રતિનિધિત્વ કરશે રાહુલ વાઘેલા: આ સ્પર્ધામાં જામનગરના પ્રજ્ઞાચક્ષુ ખેલાડી રાહુલ વાઘેલાએ પણ ભાગ લીધો હતો. રાહુલ અમદાવાદના અંધજન મંડળમાં અભ્યાસ કરે છે અને હાલમાં પ્રજ્ઞાચક્ષુ રાહુલ વાઘેલાએ ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા 80 ટકા સાથે પાસ કરી છે. ખેલમહાકુંભથી રાહુલે ચેસ રમવાની શરૂઆત કરી હતી. 27 સપ્ટેમ્બરથી બેંગ્લોરમાં યોજાનાર બ્લાઈન્ડ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં રાહુલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે જે રાહુલ માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
ચાર વર્ષની ઉંમરે પોતાની દૃષ્ટી ગુમાવી: રાહુલ ચાર વર્ષનો હતો ત્યારે તેને તાવ આવ્યો હતો અને જેમાં ખેંચ આવતા તેણે પોતાની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. રાહુલના માતા-પિતા સાવરણી બનાવીને વેંચે છે, છતાં તેમણે રાહુલના સંઘર્ષના સમયમાં દરેક રીતે મદદ કરી છે અને તેના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. રાહુલે જામનગર ખાતે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. રાહુલે વર્ષ 2014માં ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બન્યો હતો.
8 વર્ષથી રમે છે ચેસ: રાહુલ છેલ્લાં 8 વર્ષથી ચેસ રમી રહ્યો છે અને ચેસમાં આગળ વધવા માટે તે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરવા માટે રાહુલ અમદાવાદ આવ્યો હતો અને અંધજન મંડળ અમદાવાદ ખાતે તેણે એડમિશન લીધું હતું. જ્યા તેના ગુરુ પરિતોષ દવેએ તેને પર્સનલ કોચ તરીકે જલ્પન ભટ્ટ પાસેથી પ્રોફેશનલ કોચિંગ અપાવવાનું શરૂ કર્યું હતું.
નેશનલ લેવલ પર જુનિયર ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ: રાહુલે વર્ષ 2023-24 માં યોજાયેલ ઓપન સ્ટેટ સિલેક્શનમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. તેમજ જાન્યુઆરી 2024માં નેશનલ લેવલ પર જુનિયર ચેમ્પિયનશીપમાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો. રાહુલના ઉત્કૃષ્ટ દેખાવ બદલ આગામી સપ્ટેમ્બર 2024માં બેંગ્લોર ખાતે યોજાનાર બ્લાઇન્ડ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તેને તક મળી છે. જે રાહુલ અને સમગ્ર ગુજરાત માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે.
સમગ્ર ગુજરાતમાંથી ખેલાડીઓ આવ્યા: શ્રી નવચેતન અંધજન મંડળના મંત્રી હિમાંશુભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે, દ્રષ્ટિહીન ખેલાડીઓ કે જેમને જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તેવા ખેલાડીઓની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 28 જીલ્લામાંથી 90 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે અને સ્પેશિયલ ખેલમહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે. ખેલાડીઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્યકક્ષાએ પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને ઇનામો પણ મેળવી શકશે.