સુરત: સુરત શહેરથી 35 કિલોમીટર દુર આવેલું ઓલપાડનું સરસ ગામ. આ નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળી પ્રગટાવે છે અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. હોળી દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટિમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. જી હા.. પાંચ વર્ષના બાળકથી લઇ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે અહીં ચાલતા જોઈ શકાય છે.
ધગધગતા અંગારા પર ચાલે છે લોકો
સરસ ગામમાં વર્ષોથી ચાલી આવતી હોળી દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે ઓલપાડ ગામના લોકો જ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં પધારે છે. સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો પ્રથમ તો નરી આંખે પણ વિશ્વાસ ન બેસે તેવો હોય છે. આ નજારો જોવા માટે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સુરત સહિત આજુ બાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચલાતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
સરસ ગામે બાપ-દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. આજે ગામજનો ચાલે છે તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે. સરસ ગામમાં જ નહીં પરંતુ સુરત જિલ્લાના કોઈ પણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલી શકે છે. જે હોળી માતાની શ્રદ્ધા છે. હોળીના દેવતાના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે પરંતુ હોળીના દિવસ સિવાય આ આગના દેવતા પર ચાલી શકાતું નથી.
સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઇ જાય છે.