નવસારી: આમ તો ચોમાસાનો પ્રારંભ થવાથી ચારેકોર ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ, હવે અમુક જિલ્લાઓમાં વરસાદે હવે રૌદ્રરૂપ ધારણ કર્યું છે. નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીમાં આવેલ નદીઓ વહેતી થઈ છે. ત્યારે ચીખલી ખાતે આવેલી કાવેરી નદી બે કાંઠે વહેતી થતા કિનારે આવેલું શિવજીનું મંદિર જળમગ્ન થયું.
કાવેરી નદીનો સુંદર નજારો: આજે પણ નવસારી જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે. આ જળસ્તર વધવાથી ગણદેવી તાલુકાની કાવેરી નદી 11 ફૂટ થી ઉપર વહી રહી છે. ત્યારે ચીખલીના રિવરફ્રન્ટ ખાતે કાવેરીના અહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા.
કાવેરીનું રૌદ્ર સ્વરૂપ: આ સતત વરસી રહ્યા વરસાદમાં ચીખલી ખાતે તડકેશ્વર મહાદેવની કિનારેથી વહેતી કાવેરી આજે મહાદેવને અભિષેક કરી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ સાથે જ કોઝવે ઓવરફ્લો થવાને કારણે પણ કાવેરીની આહલાદક સુંદરતા જોવા મળી છે. પરંતુ, બીજી તરફ આ કાવેરીનું રૌદ્ર રૂપ કાંઠાના ગામોને જોવું પડે છે. તેમજ બીલીમોરા શહેરના નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દરેક વિસ્તારોમાં મદદની કામગીરી કરી રહી છે.
મહાદેવજીને જળાભિષેક: કાવેરી નદીમાં નવા નીરની આવક થતાં કિનારે આવેલું તડકેશ્વર શિવજીના મંદિરમાં જાણે કાવેરી નદી માં મૂકીને જળાભિષેક કરી રહી હોય તેવું સુંદર મનમોહક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જેમાં સમગ્ર મંદિર પાણીમાં ડૂબી ગયું છે અને ઉપ્પર ભગવાન શિવનું પ્રતિક એવું શિવલિંગ અને સાથે ધજા ઉપરની તરફ દેખાઇ રહ્યા છે.