ભાવનગર: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ભાવનગર શહેરમાં પૌરાણિક રજવાડા સમયના જીર્ણોદ્ધાર થયેલા બીલેશ્વર મહાદેવના મંદિરે લોકોની ભીડ સવારથી ઉમટી હતી. ભાવનગરના બીલેશ્વર મહાદેવની સ્થાપના ક્યારે થઈ તેનો કોઈ ઇતિહાસ નથી. પરંતુ મંદીરનો જીર્ણોદ્ધાર વર્ષો જૂનો હોવાનું ઇતિહાસમાં જોવા મળે છે. ત્યારે બીલેશ્વર મહાદેવને લઈને પૂજારી અને ભક્તો શું કહે છે ? ચાલો જાણીએ
મંદિરની સ્થાપનાનો કોઇ ઇતિહાસ નથી: બીલેશ્વર મહાદેવના પૂજારી ગોસ્વામી ચંદ્રગીરી રમણગીરીએ જણાવ્યું હતું કે, આમ જોઈને તો 132 વર્ષ પહેલા મહારાજા સાહેબે મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો અને આ મંદિર વર્ષો જૂનું છે. જેની સ્થાપના કોણે કરી કોઈને ખ્યાલ જ નથી. શિવલિંગ સ્વયંભૂ છે. બીલેશ્વર મહાદેવની ભક્તો પર કૃપા છે કે કોઈ ભક્ત 4 સોમવાર, 8 સોમવાર, 11 સોમવાર બીલેશ્વર મહાદેવના દર્શન કરે કે કોઈપણ વસ્તુ અર્પણ કરવાની માનતા માને તો ભોળાનાથ દરેકની મનોકામના અહીંયા પૂરી કરે છે. અમારે વર્ષોથી ભક્તો બધા આવે છે. આમાં અમારે મંદિરમાં આમ તમે જોઈ તો દરેક મંદિરોમાં બજરંગ બલીની મૂર્તિ તો હોય પણ એ કપિલમુખમાં હોય પણ આપણે બજરંગબલીની મૂર્તિ દેવમુખમાં છે. જે તમને ક્યાંય જોવા નહીં મળે.
શ્રદ્ધાથી રાખવામાં આવતી માનતા થાય છે પૂર્ણ: ભાવનગરના બીલેશ્વર મહાદેવના નિયમિત ભક્ત દિપીકાબા ગોહિલે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી બીલેશ્વર મહાદેવના દર્શને આવું છે અને આ મંદિરની અટૂત શ્રદ્ધા અને ભક્તિ છે અને દર વર્ષે અહીંયા શિવપુરાણ બેસાડવામાં આવે છે, પછી બ્રહ્મ ભોજન કરાવવામાં આવે છે. મારા બધા જ કાર્ય પૂર્ણ થયા છે. એમ મારી દરેકે દરેક મનોકામના પૂર્ણ થઈ છે. મોટાભાગે તો મારા બાળકોને ભણવા માટેની એવી જ માનતા છે જેમાં અમારા બાળકો સફળ થયા છે. બીજું કાંઈ નહિ ખાલી શ્રાવણ મહિનામાં અમે જ્યારે દર્શને આવી ત્યારે ભગવાનને એટલું જ માનતા રાખું કે, જો આ વખતે મારું આ કાર્ય થઈ જશે. તો હું આ પ્રમાણેની દક્ષિણ આપીશ યા તો મારે યથાશક્તિ વસ્તુ જેમ કે સીધું સામગ્રી અર્પણ કરીશ.
શ્રદ્ધા મજબૂત થતા શિવાલયોમાં વધે છે આસ્થા: પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો દ્વારા ઉત્તમ પૂજાઓ થાય છે. બીલેશ્વર મહાદેવના શરણમાં થોડા ઘણા વર્ષોથી ઓરકેષ્ટ્રા આરતી દર સોમવારે કરવામાં આવી રહી છે. પૂજારીના કહેવા પ્રમાણે ગુજરાતમાં પ્રથમ ઓરકેષ્ટ્રા આરતી બિલેશ્વર મહાદેવના શરણમાં થતી હશે. જે અન્ય સ્થળો ઉપર ક્યાંય થતી નથી. આ વર્ષે પણ ઓરકેષ્ટ્રા આરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.