ગાંધીનગરઃ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. આ મુદ્દાને લઈને રાજ્ય સરકાર પર વિપક્ષે અનેક વાર વાકપ્રહારો કર્યા હતા. તેથી સરકારે તબીબોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં 1110 જેટલા તબીબોની ભરતી કરવામાં આવશે. રાજ્યની અનેક હોસ્પિટલમાં વર્ગ 2ના મેડિકલ ઓફિસર્સની ઘટ છેલ્લા કેટલાક સમયથી સળગતો મુદ્દો હતો.
1110 તબીબોની ભરતીઃ આ તબીબોની ઘટના દૂર કરવા માટે રાજ્ય સરકારે 1110 જેટલા તબીબોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં ફરજ બજાવશે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં પણ તબીબોની નિમણુંક કરવામાં આવશે.
આરોગ્ય મંત્રીની જાહેરાતઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની 31 હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 119, 222 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430, રાજ્યની 57 ઈ.એસ.આઈ.સી હોસ્પિટલમાં 119 સહિત રાજ્યોને 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તબીબ વર્ગની 1272 જગ્યા પૈકી 1110 તબીબોને નિમણુંક આપી રહ્યા છીએ. બાકીની જગ્યાઓ ભરવા માટે પણ પ્રક્રિયા શરૂ કરી છે. એમબીબીએસ વર્ગ 2ના એમ.ઓ. ડોક્ટરનું કુલ મહેકમ 4855 છે. આ પૈકી 3636 જગ્યા ભરેલી છે. 1272 જગ્યા ખાલી છે. આ જગ્યા પૈકી 1110 જગ્યાઓ ભરી રહ્યા છે. ખાલી જગ્યાઓની સામે 2700 જેટલા બોન્ડેડ ડોક્ટરો ઉપલબ્ધ છે. આગામી એકાદ માસમાં પીજીની પરીક્ષા પૂર્ણ થયા બાદ લગભગ તમામ જગ્યાએ આ તબીબો ઉપલબ્ધ થશે. જગ્યા પસંદ કરીને પણ તેમને પણ નિમણુંક આપવામાં આવશે.