કચ્છ: ભુજની હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો ખજાનો નીકળ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જુનો પટારો મળી આવ્યો હતો અને આ પટારાની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણીક ચાંદીની વસ્તુઓ મળી આવી હતી. રાજાશાહી સમયના ચાંદીના આભુષણો તથા અન્ય એન્ટીક વસ્તુઓ પણ મળી આવી છે. તેમાં હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મળી છે. હોમગાર્ડના અધિકારીની સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ રીતે સરકારી તિજોરીમાં સલામત રીતે રાખવામાં આવશે.
![પટારામાંથી રાજાશાહી સમયની પૌરાણીક ચાંદીની વસ્તુઓ મળી આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2024/21815971_kutch.jpg)
રાજાશાહી વખતનો ખજાનો નીકળ્યો: ભુજના મહાદેવ ગેટ ખાતે થોડાક વર્ષો અગાઉ જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા અને હોમગાર્ડની કચેરી કાર્યરત છે. આ જગ્યા પરથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે. જુની મામલતદાર કચેરી અને હાલની હોમગાર્ડ કચેરીમાં જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને એક ચેમ્બર ફાળવવામાં આવી છે. ત્યાથી એક પટારામાંથી કિંમતી કહી શકાય તેવો રાજાશાહી સમયનો ચાંદીના આભૂષણો તથા એન્ટીક વસ્તુઓ અને હથિયાર જેવી વસ્તુઓ મળી આવી છે.
કેવી રીતે મળ્યો ખજાનો: હોમગાર્ડ કમાન્ડન્ટ મનિષ બારોટના ધ્યાનમાં આ પટારાની વાત આવતા તેઓએ અહી અગાઉ જૂની મામલતદાર કચેરી કાર્યરત હોવાથી તેમની વસ્તુ હોવાના અનુમાન સાથે પ્રાન્ત અધિકારી અનિલ જાદવને જાણ કરી હતી અને ત્યાર બાદ મામલતદાર સહિતની ટીમ હોમગાર્ડ કચેરીએ પહોંચી હતી.
ખજાનો મળતા મામલતદારની ટીમ મોકલાઈ: જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે, આ મોટો પટારો જૂના જમાનાનો હતો. પ્રાંત અધિકારીએ આ બાબતે ગંભીરતા અને સતર્કતા દાખવી હતી અને તેમણે તાત્કાલિક તપાસ માટે ટીમ મોકલી હતી. મામલતદાર એન.એસ. મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયાન સહિતનો સ્ટાફ હોમગાર્ડ કચેરીએ પહોંચી ગયો હતો.
ઓફિસનું સ્થળાંતર થતાં ચીજવસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન: મામલતદારની ટીમે તપાસ કરતાં આ પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે-તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરવામાં આવી હતી. ભૂકંપ સમયે અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી. ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજવસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
શું શું મળ્યું પટારામાંથી ?: હોમગાર્ડ ઓફિસમાં મળી આવેલા જૂના જમાનાના પટારામાંથી જૂની બંદૂક છે, ચાંદીનો ઝૂલો, ઝૂલાના સ્તંભો, ચાંદીના હાથી, હથિયાર, ચાંદીના પતરા વાળું જોડિયું, હાથીના મોઢા વાળી આકૃતિઓ, માણસના આકારમાં વાંજિત્રો વગાડતા ચાંદીના પતરા વાળા બાળકોની કૃતિ છે. ચાંદીના પતરાવાળા મોર છે, કળશ છે, ચાંદીના પતરાવાળા પ્રતિમાઓ છે તેમજ શંકુ આકારના કળશ છે. ત્યારે જિલ્લા કમાન્ડન્ટની સમયસૂચકતા અને સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી હતી અને હવે તે સરકારી તિજોરીમાં સુરક્ષિત રાખી દેવામાં આવી છે.