ભાવનગર: શહેરની સ્વચ્છતાની વાતો કરતી મહાનગર પાલિકા પોતાના ઘરની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં જાહેરમાં રસ્તાઓ પર કચરો નાખવામાં આવે છે, આવો જ એક પોઇન્ટ એટલે શિક્ષણ સમિતિનો પણ છે જ્યાં સવારે નોકરી પર આવતા લોકોને ફરજિયાત કચરામાં પસાર થઈને કચેરીમાં જવુ પડે છે.
સ્થિતિ એવી બની કે મહાનગરપાલિકા દ્વારા એક વ્યક્તિને ત્યાં બેસાડવાની ફરજ પડી હતી જોકે, માણસ હટ્યોને કચરાનો ઢગલો થઈ ગયો. આજે પાલિકા માટે આ કચરાની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે.
કરોડોનો ખર્ચ કરતી મહાનગર પાલિકા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણની અંદર ગત વર્ષે થોડા ડાઉનમાં ગયા હતા. આ વર્ષે પાલિકાના જે લો ફોલ્ડ હતા તેને પૂર્ણ કરવા માટે તેને સ્વચ્છતા સર્વેક્ષણની અંદર ફક્ત અને ફક્ત સફાઈ એક જ નથી આવતી. પરંતુ ડ્રેનેજ પાણી માટેના, તેમજ પીવાના પાણી માટેના આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સ્વચ્છતા સર્વેક્ષણ થતું હોય છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ 171 ટેમ્પલ બેલના માધ્યમથી રોજેરોજનો ઘરમાંથી જે નીકળતો કચરો છે એ એકત્રીકરણ કરીને ડમ્પ સાઈટ ઉપર નાખવામાં આવે છે.
આશરે લગભગ માસિક દોઢ કરોડના ખર્ચ આ ટેમ્પલ બેલનો કોર્પોરેશને આવી રહ્યો છે. આ ઉપરાંત જે મહેકમ મુજબ સ્વચ્છતાના કર્મચારીઓ છે એ લગભગ લગભગ 700 થી 750 કાયમી કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને આઉટસોર્સથી પણ આપણે સફાઈ કરાવી રહ્યા છે. જેમાં 250 કર્મચારીઓથી રોજ આપણે સફાઈ કરાવી રહ્યા છીએ. - રાજુભાઇ રાબડીયા, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મહાનગર પાલિકા
શિક્ષાત્મક પગલાં છતાં સુધારો નહિ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને જે અમુક પોઇન્ટ ડેઈલી કચરો ત્યાં નાખવામાં આવે છે, એના માટે પણ કોર્પોરેશન દ્વારા સઘન ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. જેની અંદર 24 કલાક માણસો ગત વર્ષે મુકવામાં આવ્યા હતા. આવી જ રીતે શિક્ષણ સમિતિની ઓફિસે ત્યાં પણ અવારનવાર આપણે ડ્રાઇવ કરીને દંડ કરવામાં આવ્યો છે, પગલા પણ લેવામાં આવ્યા છે, તેમ છતાં અમુક ચોક્કસ પ્રકારના ઈસમો દ્વારા ચોક્કસ રીતે કચરો નાખવામાં આવી રહ્યો છે. તે અમારા ધ્યાનમાં પણ છે અને લગભગ લગભગ 15 દિવસે એક વાર ડ્રાઇવ કરીને અમે શિક્ષાત્મક પગલાં ભરી રહ્યા છીએ.
ડસ્ટબીન આપ્યા, શેરી નાટકો કર્યા અસર નથી
ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા બધાને ડસ્ટબીન પણ આપવામાં આવ્યા છે. સૂકો કચરો અને ભીનો કચરો અલગ પાડવા માટે થઈને પણ એક ડસ્ટબીન આપવામાં આવી હતી, અને લોકજાગૃતિ માટે અનેક કાર્યક્રમો ભાવનગરની અંદર આપવામાં આવ્યા છે. શેરી નાટકો કરાયા છે. અલગ-અલગ ઇવેન્ટ્સના માધ્યમથી પણ આપણે સ્વચ્છતા માટે થઈને જાગૃતિ કેળવાય એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે. સ્વચ્છતા માટે એમ્બેસેડર દ્વારા પણ અપીલો કરાવડાવી છે.
આ ઉપરાંત આપણે સ્વચ્છતા દોડ પણ એકવાર શરૂ કરી કે જેના કારણે લોકમાનસની અંદર સ્વચ્છતા માટે એક અલગ પ્રકારની મુવમેન્ટ આવે તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં જે સ્વચ્છતા સર્વેક્ષણ આવી રહ્યું છે. એમાં ભાવનગર સારા નંબર પ્રાપ્ત કરે એના માટે કમિશનર અને અમે બધા જ સંયુક્ત રીતે અધિકારીઓ સહિત પ્રયત્ન કરી રહ્યા છે
વર્ષોની સમસ્યા, માણસ એક માથે બેસાડ્યો
શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી જ્યાં બેસે છે, તે શિક્ષણ સમિતિના બિલ્ડીંગમાં પ્રવેશવા માટે કર્મચારીઓ સહિત અધિકારીઓને કચરામાંથી થઈને પસાર થવું પડે છે. આ મુદ્દે શાસનાધિકારી મુંજાલ બડમલિયાએ જણાવ્યું હતું કે, અમારી નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ બહાર કચરાનો પ્રોબ્લેમ છે, એ વર્ષોથી છે.
આ પહેલા પણ જ્યારે જ્યારે આવા કચરાના ઇશ્યુ થયા ત્યારે અમે કોર્પોરેશનને જે ફરિયાદ કરવાની હતી અને કોર્પોરેશન દ્વારા પણ ઘણા પ્રયત્નો થયા અને જે તે વખતે માણસને પણ ત્યાં બેસાડવાની વ્યવસ્થા કરી હતી. જ્યાં સુધી માણસ હતો ત્યાં સુધી કચરાના પ્રમાણ થતું ન હતું.
કચરાનું કમઠાણ
શાસનાધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જે કચરો થાય છે, તે રાત્રિના સમયમાં અને વહેલી સવારમાં ત્યાં સ્થાનિક લોકો દ્વારા કચરો ફેંકવામાં આવે છે. સવારમાં અમે જ્યારે આવ્યે ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળે છે, એટલે આજુબાજુમાં રહેતા સોસાયટીના લોકો દ્વારા ત્યાં કચરો ફેકવામાં આવે છે., તેના માટે સતત પ્રયત્નો ચાલુ છે અને કોર્પોરેશન આ સંદર્ભે કાર્યવાહી અને કાર્ય કરે છે.