મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ભાવ વધારાના ડામ દેખાય રહ્યા છે. આજે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં રૂ 2નો વધારો ઝીંકાયો છે. જેથી ઉદ્યોગકારોમાં રોષ ભભૂક્યો છે. મોરબી સિરામિક ઉદ્યોગના 1000થી વધુ એકમો કાર્યરત છે. જેમાં મોટાભાગના એક્મો નેચરલ ગેસનો વપરાશ કરે છે. સિરામિક ઉદ્યોગના મુખ્ય ઇંધણ તરીકે નેચરલ ગેસનો વપરાશ કરવામાં આવે છે અને ગેસનો પુરવઠો ગુજરાત ગેસ દ્વારા પૂરો પાડવામાં આવતો હોય છે.
ભાવમાં રૂ 2નો વધારો કરાયો: જોકે ગુજરાત ગેસ છાશવારે ગેસના ભાવમાં ઓચિંતો વધારો ઝીંકી દેતું હોય છે. આજે ગુજરાત ગેસ દ્વારા ભાવ વધારાની સુચના આપી દેવામાં આવી છે. જેમાં અગાઉ ગેસનો ભાવ 42.61રૂપિયા હતો. જે 2 રૂપિયા વધીને 44.68 કરવામાં આવ્યો છે. જે ભાવ વધારો તારીખ 4 જુલાઈના રોજથી લાગુ કકરવામાં આવશે. જેથી ઉદ્યોગકારોમાં રોષ ભભૂક્યો છે. અને છાશવારે વધતા ભાવને પગલે સિરામિક ટાઈલ્સના કોસ્ટિંગમાં વધારો થતા ઉદ્યોગકારોને નુકશાની સહન કરવાનો વારો આવશે. તેવું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા એ જણાવ્યું હતું.