રાજકોટ: રાજકોટમાં ATM મશીનમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનનું મોનિટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી તેમાંથી પૈસા ઉપાડી લઈ, મોનિટરમાં રહેલી પાવર સ્વીચ બંધ કરી, ટ્રાન્ઝેકશન ડીકલાઈન કરાવી, બેન્કના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી નાણાં ઉપડેલ નથી એવું જણાવી ચીટિંગ કરનાર ભેજાબાજ આર્રોપીને રાજકોટ ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપીએ રાજકોટ સહિત અમદાવાદ, જામનગર મળી રાજ્યમાં અનેક બેન્કોમાં આ મુજબ ચેડા કરી અંદાજિત 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ ACP બી.બી.જાદવે જણાવ્યું હતું કે, કેનેરા બેન્કના મેનેજર અક્ષય અવધેશકુમાર આનંદે નોંધાવેલ ફરીયાદ મુજબ ગત તારીખ 13 ઓગ્સ્ટના રોજ બેંકના ATMમાં લગાવેલ CCTV કેમેરા જોતા સવારના 7 વાગ્યાની આસપાસ એક માણસ ATMમાં પ્રવેશ કરી આજુબાજુમાં જોઇ તેના ખિસ્સામાથી ATM કાઢી પૈસા ઉપાડવાની પ્રોસેસ કરી ફરીથી આજુબાજુમા જોઇ તેના ખિસ્સામાંથી એક ચાવી કાઢી મોનિટર ઉપર ચાવી લગાવી. મોનિટર ખોલી તેની સ્વીચ બંધ કરી ફરીથી મોનીટરની સ્ક્રિન જેમ હોય તેમ ફીટ કરી પૈસા લઇ જતો હોય એવું જોવા મળ્યું હતું.
ATM મશીનમાં કરી છેડછાડ: તે શખ્સે ATMનું મોનિટર ચાવીથી ખોલી ત્યાં બાજુમાં આપેલ રીસ્ટાર્ટ કરવાની સ્વીચ દબાવી ATM રીસ્ટાર્ટ કરી અને ઉપાડેલ પૈસા તેને મળી જાય બાદમાં પૈસા ડીસ્પેલ એરર બતાવે છે. ત્યારબાદ તે જ માણસ ફરી તારીખ 15ના રોજ ATMમાં પ્રવેશ કરી મશીનની મોનીટરની સ્કીન ખોલી તેમા કંઇક કરતો અને થોડીવારમાં નીકળી જતો જોવા મળ્યો હતો. બંને દિવસે એક જ શખસ ATMમાં આવી તેમાં છેડછાડ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ જે ટ્રાન્ઝેક્શન કરેલ કાર્ડની માહિતી જોતા આ માણસ બંને વખતે અલગ-અલગ ATM કાર્ડનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.
બેંક મેનેજર બપોરના બેન્ક પર હાજર હતાં ત્યારે તેમના મેઇલમાં ચાર્જબેંક પેટ્રેનીગ ATM (ATMને લગતી ફરીયાદના નાણા પરત આપવા બાબત)નો મેઇલ આવેલો હતો. જે મેઇલ જોતા ટ્રાન્ઝેકશન તા.11 નો જણાયો હતો. ત્યારબાદ એટીએમના CCTV કેમેરા ચેક કરતા અગાઉ ATMમાં જોવામા આવતો શખ્સ જ તે સમયે આવેલો હતો. CCTVમાં દેખાતા અજાણ્યા શખ્સે અલગ-અલગ 3 વખત આવી પૈસા પડાવા લીધા હતાં.
બેંક સાથે કરી છેતરપીંડી: જેમાં ગત તારીખ 11ના રોજ રૂ.9000, તારીખ 13ના રોજ રૂ.9000 અને તારીખ 15 ના રોજ રૂ.10,000 ઉપાડતી વખતે મશીનની ડીસ્પ્લે ખોલી તેમા મશીન રીસેટ કરવાની સ્વીચ ટ્રાન્ઝેકશનમાં એરર ઉભી કરવા બંધ કરી હતી. બાદ તા.11ના રૂ. 9000 ઉપાડી લીધેલા અને પૈસા મળી ગયેલ હોવા છતાં તે પૈસા ખાતામાંથી કપાય ગયેલ છે પરંતુ, તેઓને મળેલ નથી એવી બેન્કમાં ફરિયાદ કરી તેઓની બેન્ક સાથે છેતરપીંડી કરવાનો પ્રયત્ન કરતા ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે કલમ હેઠળ ગુનો નોંધી ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારે ચોક્કસ બાતમીના આધારે મૂળ હરિયાણાના નુંહું જિલ્લાના કંસાલી ગામના અનીશ સફી મોહમદ મવ (ઉ.વ.31)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આરોપી પોતે ભેજાબાજ હોવાથી તેમની પાસે પૂરતી માહિતી હોય છે કે ક્યાં કેવી રીતે ચીટિંગ કરી શકાય? માટે તે પોતાની પાસે અલગ-અલગ બેન્કના 30 જેટલા ATM કાર્ડ પણ રાખતો હતો. અમે એ તમામ કાર્ડ ભાળેથી મેળવતો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલ છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા જે બેન્કનું ATM કાર્ડ હોય તે બેન્કના ATMમાં જવાના બદલે અન્ય બેન્કના ATMમાં જઇ ચીટિંગ કરતો હતો.