સુરત: ઓલપાડ તાલુકાનાં મોટા ફળિયામાં હનિફભાઈના મકાનમાં છેલ્લા 6 મહિનાથી ભાડે રહેતો મૂળ જામનગરનો અલ્તાફ અહેમદ ઐયુબશાહ દિવાન લેધર બેગમાં નકલી નોટો ભરી ગત રોજ ઓલપાડ બજારમાં વટાવવા નીકળ્યો હતો. ત્યારે મહિલા PSI એસ.એન.ચૌધરી અને અન્ય મહિલા પોલીસ કર્મીઓની ટીમે રેડ કરી તેને દબોચી લીધો હતો અને તેની પાસેથી રૂપિયા 100ની 97 નોટ જપ્ત કરી હતી.
આરોપી નકલી નોટો બનાવતો હતો: ઓલપાડ પોલીસે અલ્તાફની વધુ પૂછતાછ કરતા તે 6 મહિનાથી બીજી પત્ની સાથે ઓલપાડ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો અને પોતાના ઘરે નકલી નોટ છાપી બજારમાં વટાવતો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે ઓલપાડ પોલીસે અલ્તાફ દિવાનના ઘરે તપાસ કરતા બનાવતી નોટ છાપવાનું પ્રિન્ટર તથા કાગળ સાથે કામે લેવાતી સાચી નોટ કે જેની કોપી કરવામાં આવતી હતી એ પણ મળી આવી હતી. પોલીસે હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ: સુરત ગ્રામ્ય પોલીસમાં મહિલા અધિકારી અને તેમની ટીમે પ્રથમવારનું પાર પાડેલું ઓપરેશન ફ્રોડ કરન્સીની ઊંડાણ પૂર્વકની તપાસમાં અલ્તાફે નોટ છાપીને કોને કોને આપી છે, અત્યાર સુધી કેટલી નોટ છાપી છે, નોટ છાપવાની સામગ્રી ક્યાંથી લાવતો હતો તેની સાથે કોણ કોણ કામ કરે એનો ખુલાસો થવાની શક્યતા છે.