વાપી: તારીખ 3 જૂનના વાપીના બલીઠા રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે રવાના કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આ મૃતદેહ વાપીના રામ બિહારી જીતુ ભારદ્વાજ નામના વ્યક્તિનો હોવાની વિગતો મળી હતી.
મૃતકના ગળા પર ધારદાર હથિયારના ઊંડા ઘાના નિશાન હતા. જેની હત્યા અંગે મૃતકના પુત્રએ પિતાના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ યાદવ પર શંકા વ્યક્ત કરી હતી. જે ફરિયાદ આધારે પોલીસે રાજેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે કબુલાત કરી હતી કે, આ હત્યા તેમણે જ છરીના ઘા મારીને કરી છે.
16 લાખ રુપિયા લેવા બાબતે કરી હત્યા: હત્યા પાછળના ખુલાસા અંગે DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે મૃતક સહારા ઇન્ડિયામાં કામ કરતો હતો. અને વીસી ચલાવતો હતો. જેની પાસેથી રાજેશને વીસીના 8 લાખ રૂપિયા લેવાના હતા. એ ઉપરાંત આઠ લાખ બીજા સહારા ઇન્ડિયામાં પણ તેમને રોક્યા હતા તે પણ લેવાના હતા. આમ કુલ 16 લાખ રૂપિયા આરોપીએ લેવાના હતા. આ રૂપિયાની અવાર-નવાર તે માંગણી કરતો હતો પરંતુ તે પરત આપતો ન હતો.
જે દરમિયાન બનાવના દિવસે હત્યા કરનાર રાજેશ કેરી અને કેળાનો હોલસેલ વેપારી હોવાથી વાપી નજીક આવેલ વડખંભા ગામે કેરી લેવા નીકળ્યો હતો. ત્યારે મૃતક તેમને રસ્તામાં મળી જતા તેને તે પોતાની સાથે લઈ ગયો હતો ત્યાંથી બંને વાઘછીપા ગામે કેરી લેવા ગયા હતા.
મૃતદેહને સગેવગે કર્યો: વાઘછીપાની વાડીમાં બંને વચ્ચે પૈસા બાબતની બોલા ચાલી થઈ હતી. અને તે બાદ ઝઘડો થયો હતો. જેમાં રાજેશે કારમાં રાખેલ છરી વડે તેની હત્યા કરી નાખી હતી. તે બાદ મૃતદેહને કારની ડિક્કીમાં નાખી વાપી નજીક સગેવગે કરવા ફર્યો હતો. અને ત્રણેક કલાક બાદ મૃતદેહને વાપી નજીક બલિઠા ખાતેથી પસાર થતી રેલવે લાઈનની ગટર નજીક ફેંકી નાસી ગયો હતો.
ઉમરગામમાં બનેલ ઘટના: તો, આવી જ અન્ય એક ઘટના 1 જૂનના રોજ ઉમરગામમાં બની હતી. ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં રેલવે કોલોની નજીકથી એક સંતોષ યાદવ નામના વ્યક્તિનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીની ઉમરગામ પોલીસે ધરપકડ કરી હતી. અને પૂછપરછ કરતા આ હત્યા તેઓએ કરેલી હોવાની કબુલાત કરી છે.
હત્યા કરનાર બંને આરોપીઓના નામ શૈલેન્દ્ર યાદવ અને સૂરજ ઉર્ફે સૂર્યા રાજભર છે. જેઓ બનાવના આગલા દિવસે મૃતક સંતોષ સાથે વલસાડથી ઉમરગામ રેલવેની DFCCILના રેલવે કવાટર્સનું લેબરકામ કરવા આવ્યા હતા. ત્રણેય રેલવે કોલોનીમાં રોકાયા હતા. જ્યાં રાત્રે જમવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં સંતોષને શૈલેન્દ્ર યાદવ અને સૂર્યા રાજભરે મુક્કા મારી, સળીયો મારી મોત નીપજાવી ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, એક જ સપ્તાહમાં થયેલ આ બન્ને અલગ અલગ હત્યાની ઘટનામાં વાપી અને ઉમરગામ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઝડપી પાડી જેલમાં સળિયા પાછળ ધકેલી દીધા છે. વાપીમાં જેની હત્યા કરવામાં આવી છે તે નગરપાલિકાના વોર્ડ નમ્બર 7માં ભાજપના પેજ પ્રમુખ હતાં.