રાજકોટ: જસદણમાં શીવરાજપુર ગામ નજીક ગઢડા રોડ પર આવેલા પેટ્રોલપંપ પર બાકીમાં ડિઝલ ભરવાની ના પાડતાં ત્રણ શખ્સોએ પેટ્રોલ પંપ પર આતંક મચાવ્યો હતો. પેટ્રોલ પંપની ઓફીસ અને મશીનરીમાં તોડફોડ કરી રૂ.1.50 લાખનું નુકશાન કરી ધમકી આપી હતી. તોડ ફોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવ અંગે જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જસદણના આટકોટ રોડ પર સરદાર પટેલ નગર ગંગાભુવનમાં રહેતાં ભરતભાઈ મનુભાઈ જેબલીયા (ઉ.વ.50)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પૃથ્વીરાજ આલકુ વાળા, છત્રપાલ મંગળુ ધાંધલ અને શિવકુ રામ પટગીરેનું નામ આપતાં જસદણ પોલીસે બીએનએસ એકટ 328 (3), 324(5), 351(3), 352, સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પૃથ્વીરાજે ફરિયાદીને આપી ધમકી: ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શીવરાજપુર ગામ નજીક ગઢા રોડ પર ન્યારા કંપનીના સુર્યનારાયણ પેટ્રોલપંપનું સંચાલન કરે છે. તા.07-07-2024 ના રાત્રિના આશરે 09:30 વાગ્યે તેઓ પેટ્રોલપંપ પર હાજર હતા. ત્યારે તેમને ફોન આવ્યો અને કહ્યું કે, હુ પુથુભાઈ બોલુ છુ. તેમ કહી ગાળો બોલવા લાગ્યો અને મારી નાખવાની ધમકી આપી. જેથી તે બાબતને લઈને તે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચેલા ત્યારે પેટ્રોલપંપ પર કામ કરતા અનેશ પરમારનો ફોન આવ્યો અને વાત કરતા કહ્યુ કે, હું ઘરે જમવા આવેલો છુ. અને આપણા પેટ્રોલ પંપ પર કામ કરતા સહુલ મૂવાણાનો ફોન આવ્યો છે કે, પંપ પર પૃથ્વીરાજ વાળા અને તેના માણસો પેટ્રોલપંપ ઉપર તોડફોડ કરે છે. જેથી તેઓ પોલીસ સ્ટેશન પરથી નીકળી ગયા. અને ત્યારે પૃથ્વીરાજનો ફોન આવ્યો અને વાત કરતા તેણે ધમકી આપતે કહ્યું કે, "તારો પેટ્રોલ પંપ તોડી નાખ્યો છે અને હવે તુ ભેગો થા તો તારૂ પણ પૂરું કરી નાખવું છે."
ત્યારબાદ તેમણે બીજા દિવસે પેટ્રોલ પંપ પર જઈને જોયું તો ત્યાં બલેનો ગાડીના કાચ તૂટેલા હતા અને ગ્રાઉન્ડમાં પેટ્રોલના ડબલાની ડિસ્પલે તથા ડીઝલના ડબલામાં ઘા મારેલ હતા. ત્રણ ઓફીસના બહારથી કાચ તૂટેલો તેમજ મેઈન ઓફિસની અંદર રહેલ ટેલિવિઝનની ડિસ્પલે તૂટેલી હતી. ઓફિસમાં રહેલા બે કોમ્પ્યુટર, ડેબિટ કાર્ડ સ્વાઈપ મશીન, પૈસા ગણવાનું મશીન તૂટેલુ હતુ. તેમજ ઓફીસ અંદરનો સામાન વેરવિખેર પડેલ હતો. અંદરની ઓફિસમાં દીવાલે રાખેલ સર્ટીફીકેટ નીચે પડેલા હતા તેમજ ટુલ્સ પેટી વેરવીખેર પડેલ હતી.
ઘટના સીસીટીવીમાં કેદ: પેટ્રોલ પંપના CCTV ફૂટેજ જોવામાં આવ્યું કે, પેટ્રોલપંપ પર છત્રપાલ ધાધલ અને શીવકુ પટગીર પ્રથમ બાઈક લઈને પંપ પર આવતા દેખાય છે. તેમજ બાદમાં તેઓ જતા રહે છે. અને બાદ બે બાઈક આવે છે. જેમાં ત્રણેય શખ્સો જોવા મળે છે. જેમાં પુથ્વીરાજ પાસે મોટી લાકડી હતી અને તે પ્રથમ ઓફીસમાં તોડફોડ બાદ પંપના ડબલે બાદમાં ઓફીસની અંદર તોડફોડ કરે છે અને બાદમાં ગાડીમાં તોડફોડ કરે છે. તેમજ શીવકુ તથા છત્રપાલ બન્ને બહાર નજર રાખી ઉભા હોય તે જોવામાં આવી રહ્યું હતું.
આરોપીઓની શોધખોળ શરુ: આ બનાવમાં આશરે 1.50 લાખ રૂપિયાનું નુકશાન થયેલ છે. આ બનાવનું કારણ એ છે કે, સવા મહિના પહેલા પૃથ્વીરાજના માસિયાઈ ભાઈ રણુભાઈ જેઠસુરભાઈ ખાચરે બાકીમાં ડીઝલ ભરાવેલું હતું અને પૈસા આપેલા ના હોય જેથી બાકીમાં ડીઝલ આપવાની ના પાડતા તેની સાથે બોલાચાલી થઈ હતી અને તે વખતે પોલીસ ફરીયાદ કરી હતી. જેથી તે બનાવનો ખાર રાખી પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી. હાલ જસદણ પોલીસે ગુનો નોંધી પેટ્રોલપંપ પર આતંક મચાવનાર 3 શખસોની શોધખોળ હાથ ધરી છે.