ભાવનગર: પવિત્ર શ્રાવણમાં ક્યાં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ કહેવામાં આવે છે તે જોઈએ તો સ્ફટિક શિવલિંગનું ઘણું મહત્વ છે. ભાવનગરના આંગણે પ્રથમ સ્ફટિક શિવલિંગની સ્થાપના તાજેતરમાં થઈ છે. સ્થાપક પૂજ્ય સીતારામ બાપુએ સ્ફટિક શિવલિંગનું મહત્વ અને પૂજા વિશે જાણકારી આપી હતી. ચાલો જાણીએ
શ્રાવણ માસનું મહત્વ શું ?: સીતારામ બાપુએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના એટલે ચેતન્યને જાગતા દેવ છે. ભોળાનાથ જલ્દીથી રીઝે છે એટલે આશુતોષ છે. ચાતુર્માસમાં શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે, ભગવાન નારાયણ પાતાળમાં પોઢી જાય છે, દેવ પોઢી અગિયારસથી કારતક શુક્લ એકાદશી સુધી નારાયણ પોઢેલા છે અને એ સમયે શિવની ઉપાસના કરી આસુરી શક્તિ ઉપર વિજય મેળવવા અને પોતાના જીવનને ધ્યાન બનાવવા માટે શ્રાવણ માસમાં ઋષિઓએ જે ઉપાસના શરૂ કરાવી છે. તે ઉપાસનાથી જીવોનો અવશ્ય કલ્યાણ થાય છે અને શાંતિ મળે છે.
ગુરુની પ્રેરણાથી સ્ફટિક શિવલિંગ સ્થાપિત: સીતારામ બાપુએ જણાવ્યું હતું કે, શિવજીના અનેક સ્વરૂપો છે. 8 સ્વરૂપ, 12 જ્યોતિર્લિંગ એ વાત તો પુરાણોમાં જાણીતી છે. એની સાથો સાથ કેવા લિંગની પૂજા કરવી, એમાં નીલમ,માણેક, સ્ફટિક ,પિતળ અને સુવર્ણ એની લિંગ બનાવી ઉપાસના કરવી જેના જુદા જુદા ફળાદેશ પણ મૂક્યા છે. કળિયુગમાં ફળાદેશ વિના શ્રદ્ધા બેસે નહીં, તો આ સ્ફટિક શિવલિંગ મારા ગુરુએ મને વર્ષો પહેલાં નાનું આપેલું ત્યારથી એવું મનમાં સંકલ્પ હતો કે સ્ફટિક શિવલિંગ મળે તો મંદિર બનાવી પધરાવવું અને મળી જાય એવો ભાવ હતો. આ શિવલિંગ મળી ગયું છે અને આજે પૂજા અર્ચના કરીયે છીએ.
અધેવાડામાં સ્થાપિત સ્ફટિક શિવલિંગનું મહત્વ: બાપુએ જણાવ્યું કે, અત્યારે ભગવાન સ્ફટિકના રૂપમાં દેશમાં કાશ્મીરમાં 4 ફૂટનું છે અને બીજું કેદારનાથમાં 30 ઇંચનું છે અને આપણે 31 ઇંચની ઊંચાઈ અને સાડા 19 ઇંચની જાડાઈનું છે, આપણું 3 નંબરનું છે એ આ વાત મેળવીને પછી કરું છું. રાજકોટમાં એક-બે ફૂટનું છે. એમ કહેવાય છે. પરંતુ આ શિવલિંગનું રૂપ જે છે. એ સિદ્ધિઓને સાર્થક કરનારૂ અને સ્ફટિક શિવલીંગને લઈને પૂજાનો ખૂબ મહિમા છે, તો અહીં અત્યારે થોડા લોકો આનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવે છે. શ્રાવણ પવિત્ર માસમાં આપણે સ્ફટિક શિવલિંગની પૂજા કરીને, સ્ફટિકનું સ્વરૂપ શ્વેત છે. આપણું જીવન પણ કામ,ક્રોધ લોભ ઈત્યાદિ, આસુરી શક્તિથી દૂર થાય અને સ્ફટિક જેવું નિર્મળ બને અને ભગવાનને એવી પ્રાર્થના છે.