બનાસકાંઠા: 24 જુનના રોજ માહી ગામના નિઝામુદ્દીન નાંદોલીયાનું અકસ્માતે મોત થયું હતું. પરિવારજનોએ અંતિમ વિધિ પણ કરી દીધી હતી. જોકે આ યુવકના મોત પાછળ અન્ય કારણો હોવાના આક્ષેપો સાથે ગામમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે યુવકના મોત બાબતે ઘૂંટાતા રહસ્ય અંગે હવે એક મહિના બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે માહી અને છાપી પંથકના મુસ્લિમ લોકોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.
ગામના લોકોને યુવકના હત્યાની શંકા: રજુઆત માટે આવેલા મુસ્લિમ આગેવાને જણાવ્યું હતું કે, "યુવકના મોત અંગે અમને અનેક શંકાઓ છે. આ અંગે પરિવારજનોએ કે છાપી પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. માટે આજે અમે જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા છીએ અને આ મોત મામલે નિષ્પક્ષ તપાસ કરી હત્યાની કલમો ઉમેરવામાં આવે તેવી અમારી માંગ છે. કારણ કે, ગામમાં ઊઠેલી ચર્ચાઓ તેમજ મળેલા સીસીટીવી ફૂટેજના આધારે યુવકની હત્યા કરાઈ હોવાની અમને શંકા છે. સાથે જ તેમને પરિજનોમાં આંતરિક સંબંધો અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ જે કોઈ આરોપી હોય તેને કડક સજા કરવા માંગ કરી હતી."
યોગ્ય તપાસની માંગ: જોકે એક મહિનાથી ઘૂંટાતા રહસ્ય અંગે હવે ગ્રામજનોએ હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને આ મામલે યોગ્ય તપાસ કરવા સાથે ન્યાયની માંગ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આવનારા દિવસોમાં આ યુવકના મોત અંગે પોલીસ તપાસના હવે કેવા ખુલાસા સામે આવે છે.