ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી, 2024 પછી નિવૃત્ત થતા કર્મચારી અને અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે. અને આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ બહાર પાડશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ. 53.15 કરોડનું ભારણ આવશે.
ગ્રેજ્યુઈટી એટલે શું?
ગ્રેજ્યુઈટી એ રકમ છે જે સંસ્થા, કંપની અથવા એમ્પ્લોયર વતી કર્મચારીને ચૂકવવામાં આવે છે. પરંતુ આ માટે તેણે ઓછામાં ઓછા પાંચ વર્ષ એક જ સંસ્થામાં નોકરી કરવી જરૂરી છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડી દે છે તથા નોકરીમાંથી તેને કાઢી મૂકવામાં આવે અથવા તેને નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેને આ રકમ આપવામાં આવે છે.
આ પણ વાંચો: