ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૧,૨૨૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૨૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૯૮,૨૨૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૫.૩૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્રના 3 ડેમ ઓવરફ્લો: સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે.
આ સિવાય રાજ્યના આઠ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-૧ તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-૩ અને રૂપારેલ, રાજકોટના આજી-૨ અને ન્યારી-૨ તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૮.૫૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૩૧.૫૪ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫માં ૨૬.૩૩ ટકા, કચ્છના ૨૦માં ૨૨.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.