ગાંધીનગર: મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ તેમજ રજૂઆત થતાં તેને ધ્યાનામાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે આ ઘટાડા બાદ હવે ગવર્નમેન્ટ ક્વોટોમાં રૂપિયા 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂપિયા 12 લાખ ફી રહેશે.
13 મેડિકલ કોલેજમાં ફી વધારો: ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર ફી 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી. સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર યુ.એસ. ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.
સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો: આ ફી વધારાને કારણે રાજ્યમાં ગરીબ અને મધ્ય વર્ગીય વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું સપનું જ બની રહે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરિણામે એનએસયુઆઇ અને એબીવીપી જેવા વિદ્યાર્થી સંગઠનો દ્વારા રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થતા હતા. તે ઉપરાંત વાલી સંગઠનોએ પણ આ ફી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો.
GMERS કોલેજની ફીમાં ઘટાડો: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા સાઈડ x પર ટ્વિટ કરી જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મેડિકલના વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફીમાં ઘટાડો કરાયો છે. ગવર્મેન્ટ કોટાની ફી 3.75 લાખ અને મેનેજમેન્ટ કોટામાં ફી 12 લાખ રહેશે.