ગાંધીનગર: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ યોજાઇ હતી. આ 41ની મિટિંગમાં ગાંધીનગરના વિકાસ લક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષારોપણ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં રોપવામાં આવતા વૃક્ષોના રોપા બળી જતા હોય છે. તેથી મનપા દ્વારા રોપવામાં આવેલા સો ટકા વૃક્ષ ઉગે તે માટે 4000 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવશે.
વૃક્ષ ઉછેરની જવાબદારી એજન્સીને સોંપાઈ: આ વૃક્ષારોપણ કરનાર એજન્સીને વૃક્ષ દીઠ રૂ.1600 ચૂકવવામાં આવશે. ઈજારદારને રૂપિયા 64 લાખ ચૂકવવામાં આવશે. આ તમામ વૃક્ષો ઉછેરની જવાબદારી એજન્સીને સોંપવામાં આવી છે. વૃક્ષના ઉછેર માટે પાણી, ખાતર, પીંજરુ, મેન પાવર અને ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ એજન્સીને ચુકવવાનો રહેશે. વૃક્ષનો ઉછેર ન થાય તો તેના સ્થાને બીજા વૃક્ષનો પણ એક વર્ષ ઉછેર કરવાની જવાબદારી એજન્સીની રહેશે. એજન્સીને ફુલ પેમેન્ટના 50% પેમેન્ટ વૃક્ષારોપણ બાદ આપવામાં આવશે. 25% પેમેન્ટ વૃક્ષોના ઉછેર બાદ 6 મહિને આપવામાં આવશે. બાકીનું 25% પેમેન્ટ વૃક્ષોના ઉછેર થયા બાદ એક વર્ષ બાદ ચૂકવવામાં આવશે. આમ ગાંધીનગર મનપા દ્વારા ગાંધીનગરને હરિયાળો બનાવવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
આઇકોનિક યોગ સેન્ટર શરૂ થશે: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટાફની પણ ભરતી કરવામાં આવશે. ગાંધીનગરમાં પેથાપુર, ઝુંડાલ, કોટેશ્વર ખાતે નવી લાઇબ્રેરી બનાવવા માટે મેનેજમેન્ટ કન્સલ્ટની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં લાઇબ્રેરીઓ કેટલી ઉપયોગી થશે તે પણ એક મોટો પ્રશ્ન છે. ગાંધીનગરમાં ભૂતકાળમાં શરૂ કરવામાં આવેલી લાઈબ્રેરી વાન ધૂળ ખાતી હોવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા હતા. લોકોની સુખાકારી અને નિરોગી રહે તે માટે આઇકોનિક યોગ સેન્ટર શરૂ કરવામાં આવશે.