અમદાવાદ: શહેર પોલીસ દ્વારા CCTV કેમેરા શરુ કરવામાં આવ્યા છે. જેના ભાગરુપે સૌથી પહેલા અમદાવાદ ની ભગવાન જગન્નાથની રથયાત્રાના રુટને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે. ત્યારે CCTV રુટ હેઠળ શહેર પોલીસ દ્રારા રથયાત્રાના રુટમાં આવતી દુકાનો, શોરુમ, રેસિડેન્શીયલ કોમ્પ્લેક્સમાં CCTV બાબતે ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વધુમાં જે સ્થળો પર CCTVના હોય તેવી મિલકતના માલિકોને CCTV લગાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્રારા અપીલ કરવામાં આવી હતી.
147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરુ: અમદાવાદ શહેરના તમામ જાહેર રસ્તાઓ CCTV કેમેરાથી સજ્જ કરવા અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઇ છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને લઈને પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે સજ્જ બની છે.
1200 થી વધુ CCTV કેમેરાથી નજર રખાશે: રથયાત્રાના રૂટ ઉપર થતી શંકાસ્પદ ગતિવિધિઓ, અસામાજિક તત્વો પર 1200 થી પણ વધુ CCTV કેમેરાની નજર રહેશે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રોડ પર વેપારીઓ દુકાનદારો પેટ્રોલ પંપના માલિકોને ફરજ પાડી CCTV લગાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
1278 કેમેરા લગાડવામાં પોલીસને સફળતા મળી: એક મહિના અગાઉ રથયાત્રાના રોડ ઉપર માત્ર 117 જેટલા કેમેરા જ લાગેલા હતા. આ ઉપરાંત પોલીસના 66 કેમેરા હતા. પરંતુ ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત એક મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરી બાદ રથયાત્રાના રૂટ ઉપર જન ભાગીદારીથી 1278 જેટલા કેમેરા લગાડવામાં પોલીસને સફળતા મળી છે.]