છોટાઉદેપુર: જિલ્લાની ઓળખ સમા કવાંટના ગેરના મેળાની નૃત્ય કલા અને સંખેડાના ફર્નિચરની કલાએ હેરિટેજ ઓફ ઇન્ડિયાની 101 કલાઓમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ આ વર્ષ દરમિયાન સંખેડાના ફર્નિચરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતની 3 કલાઓનો સમાવેશ: કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નેશનલ લીસ્ટ ઓફ ધી ઇન્ટેનજીબલ કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયાની 101 યાદીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં પાટણનાં પટોળા, છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડાનું ફર્નિચર અને કવાંટનાં ગેરના મેળાની નૃત્યકલા આમ ગુજરાતની ત્રણ કલાઓનો સમાવેશ થયો છે. પરંતુ હાલ મંદીનાં માહોલમાં સંખેડાનાં ફર્નિચરની કલાને અસર જોવા મળી રહી છે.
સંખેડાનાં ફર્નિચરની વિદેશમાં માંગ: છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં વસતા 100 જેટલા પરિવારો અને 500 જેટલાં કારીગરો સાગના લાકડામાંથી ફર્નિચર બનાવીને રંગરોગાન કરી વિશ્વભરમાં નિકાસ કરે છે. વિદેશમાં વસતા NRI નાગરિકો પણ સંખેડાનાં ફર્નિચર ની ઓન લાઈન ખરીદી કરી રહ્યા હતાં. જેને લઈને ફર્નિચરનાં વેપારીઓનો ધંધો ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો. પરંતુ 6 મહિનાથી વિદેશમાંથી પણ ઓનલાઈન ખરીદી નહીં થતાં વેપારીઓ ચિંતિત બન્યા છે.
ગઇ દિવાળીમાં સારી ઘરાકી હતી: સંખેડાનાં સુથારી વગાનું ફર્નિચર વર્ષોથી વિશ્વ વિખ્યાત બનતા દિવાળીનાં તહેવારમાં અગાઉનાં વર્ષોમાં ભારે તેજી જોવા મળતી હતી. પરંતુ આ વર્ષે દિવાળીનાં તહેવાર નજીક હોવા છતાં, ગ્રાહકી નહીં નીકળતા વેપારીઓ ચિંતિત બન્યા છે. સંખેડાનાં ફર્નિચરની વિદેશોમાં પણ ભારે માંગ હતી. દિવાળીમાં વેપારીઓ વિદેશમાં પણ નિકાસ કરતાં હતા. પરંતુ આ દિવાળીમાં વિદેશમાંથી પણ ઓર્ડર મળતા નથી. તેવું ફર્નિચરનાં વેપારીઓ જણાવી રહ્યા છે.
વેપારીઓની દિવાળીને લઇને આશા: આ અંગે સંખેડાનાં ફર્નિચરનાં વેપારી કમલેશ ખરાદી ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી ફર્નિચર બજારમાં ભારે મંદી ચાલી રહી છે. દિવાળીમાં તેજી આવશે તેવી આશાએ વેપારીઓ શો રૂમમાં ફર્નિચર બનાવી મૂકી રાખ્યા છે. પરંતુ ઘરાકી નહીં દેખાતા કારીગરોને મહેનતાણું આપવું પણ મુશ્કેલ બન્યું છે. ગયા વર્ષે દિવાળીમાં થોડી તેજી હતી પણ ફર્નિચર પર 18 % GST લાગતી હોવાના કારણે અમારા ફર્નિચરનાં ધંધામાં મંદી આવી છે. તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: