વલસાડ: કલકત્તાના આર.જી. મેડિકલ કોલેજમાં મહિલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર સાથે બનેલ ઘટનાના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે ત્યારે વલસાડના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા ડોક્ટરો અને સિવિલ હોસ્પિટલના જુનિયર પ્રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ડોક્ટરોએ પોતાની સેવાઓ બંધ રાખી: તમામ ડોક્ટરોએ આજે પોતાની સેવાઓ બંધ રાખીને વિરોધ કર્યો હતો. સાથે જ તમામ ખાનગી ડોક્ટરોએ પણ પોતાના હોસ્પિટલમાં માત્ર ઈમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ રાખી વિરોધ કર્યો હતો. વલસાડના સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી.
વલસાડ સર્કિટ હાઉસથી કલેકટર કચેરી સુધી રેલી: વલસાડમાં એકત્ર થયેલા તબીબો દ્વારા આજે રેલી યોજી સાથે જ 'વી વોન્ટ જસ્ટિસ' ના પ્લે કાર્ડ અને નારા સાથે આ રેલી વલસાડ જિલ્લા કલેકટર કચેરી સુધી પહોંચીને જિલ્લા કલેકટરને ને આવેદનપત્ર પાઠવીને ડોક્ટરોની સુરક્ષા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ કલકત્તામાં બનેલ ડોક્ટરને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માંગ ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી.
ડોક્ટરોની સુરક્ષાના કાયદા કડક બનાવો: વલસાડ જિલ્લાના ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બનેલી દુષ્કૃત્યની ઘટનામાં સુરક્ષા સામે અનેક સવાલો થાય છે. ત્યારે ડોક્ટરો 36 થી 48 કલાક સુધી સતત કામગીરી કરતા હોય છે અને માનસિક તાણ વચ્ચે પણ તેઓ દર્દીઓની સેવાઓ કરતા હોય છે. એવા સમયમાં તેમની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થાય તો સરકારે ડોક્ટરો માટે અને તેમની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાનો કડકપણે અમલ થવો જોઈએ તેવો અવાજ ડોક્ટરોમાં ઉઠ્યો હતો.
આરોપીને કડક સજા થાય તેવી ડોક્ટરોની માંગ: કલકત્તામાં મહિલા ડોક્ટર સાથેની બળાત્કાર અને હત્યાનો ગુન્હામાં દોષિત આરોપીને ધરપકડ કરી તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી તમામ ડોક્ટરો માંગ કરી રહ્યા છે અને આ સમગ્ર ઘટનાના ઘેરા પત્યાઘાત સમગ્ર ભારતભરમાં પડ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ શનિવારના રોજ હડતાલ જાહેર કરવામાં આવી છે. જેના સમર્થનમાં અનેક ડોક્ટરોએ આજે શનિવારના રોજ વલસાડમાં પણ પોતાની કામગીરીથી અળગા રહ્યા હતા.
ઘટના ફરી ન બને તેવી માંગ: ડોક્ટરોની સુરક્ષા સામે ઉઠેલા સવાલને લઈને બનેલી ઘટનાને દરેક ડોક્ટરોએ વખોડી કાઢી હતી અને ડોક્ટરોએ જણાવ્યું કે, આવી ઘટનાનું ફરીવાર પુનરાવર્તન ન થાય તે માટે સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા કરી કડકમાં કડક કાર્યવાહી થાય. જેથી કરીને આવી ઘટનાઓનું પુનરાવર્તન ફરી ન થાય તેવી કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.