આણંદ: સમગ્ર મામલે સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે ઘટના ઘટી છે તે ચોક્કસથી નીંદનીય છે. ક્યાંક ને ક્યાંક અજાણતા ભૂલ થઈ છે. પરંતુ દરેક બાબતનો એક સમાધાનકારી રસતો હોય છે. જેના પર બંને પક્ષો દ્વારા વિચારવામાં આવે તે જરૂરી છે. આ લડાઈથી માત્ર ને માત્ર હિન્દુત્વને નુકસાન પહોંચે તેમ છે. જેથી અમે કોઈ રસ્તો નથી બતાવતા પરંતુ બંને પક્ષો ભેગા મળી તેના માટે યોગ્ય રસ્તો શોધે અને સમાધાન કરે તેવી અપીલ સંતો અને ગુરુજનો દ્વારા કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા એક અખબારી યાદી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે વર્તમાન સંજોગોમાં ક્ષત્રિયો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે, તેનાથી સંપૂર્ણ ગુજરાતના તમામ જ્ઞાતિઓ અને તમામ સંપ્રદાય ના સંતો મહંતો પણ ચિંતાતુર છે, અને આ પ્રશ્નનું સુખદ સમાધાન થાય તે માટે બન્ને પક્ષે મોટું મન રાખીને નિર્ણય પર આવવું જોઈએ. આ દેશમાં રાજા રજવાડા (ક્ષત્રિયો)નું મોટું યોગદાન રહ્યું છે, તેમના બલિદાનો થી ઈતિહાસ ભરેલો છે, અને આખો દેશ આ વાતથી વાકેફ પણ છે સાથે ક્ષત્રિયોના માટે કેહવાય છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ્
હવે જ્યારે મહાભારત થી શ્રેષ્ઠ ભારત તરફ આપને આગળ વધી રહ્યા છીએ એવા સમયે આપને સૌ સંયમ રાખીએ તેમજ રામરાજ્યની આપની કલ્પનાને સાકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજ ના સૌનો સહકાર આવશ્યક છે. આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષશ્રી અવિચલદાસજી તેમજ મહંત દિલીપદાસજી અને અન્ય સંતો સાથે પણ ચર્ચા થઈ તેઓ પણ ઈચ્છે છે કે, આ બાબતે રાષ્ટ્ર હિત અને સામાજિક હિત,તેમજ વિશેષ હિન્દુ હિતનો વિચાર કરી બન્ને પક્ષે સન્માન જળવાય તે રીતે સુખદ સમાધાન થાય.
સરકારે અને પાર્ટી એ પણ ખૂબ મહેનત કરી સૌ સમાજના સહકાર થી ઘણા સારા કાર્યો કર્યા છે જેવાકે ૩૭૦ ની કલમ નાબૂદ કરી,શ્રીરામ મંદિરનો નિર્ણય કર્યો તેમજ અન્ય સામાજિક કાર્યો દેશની પ્રગતિ બતાવે છે. તો આ બધી બાબતોને ધ્યાને લઇ સબળ, સમર્થ અને સમરસ સમાજ દેશ નિર્માણ માટે આપને મતભેદો ને દુર કરી ફરી એક થઈ મોટા મન રાખી આ પ્રશ્ન નું સુખદ સમાધાન ધર્મ અને રાષ્ટ્ર હિત ને ધ્યાને રાખી કરવા તમામ સંતશ્રી અને વિશ્વ હિન્દુ પરિષદ અપીલ કરે છે.
સમગ્ર મામલે અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સારસા જ્ઞાન પીઠધીસ્વર અવિચલદાસ મહારાજ દ્વારા મીડિયા સમક્ષ આવીને સમગ્ર વિવાદમાં સામેલ બન્ને પક્ષ ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વ ને સમગ્ર મામલે નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.