દાહોદ: જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થવાના કારણે નદી નાળામા નવા નીર આવ્યા છે જ્યારે ઘણા જળાશયો છલકાવા લાગ્યા છે, અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ 15 ઈંચ જેટલો પડી ગયો છે, જ્યારે સૌથી ઓછો સાડા છ ઈંચ વરસાદ ધાનપુર તાલુકામાં વરસ્યો છે. જિલ્લામાં આવેલા આઠ મોટા ડેમો પૈકી માછણ નાળા ડેમ ગમે તે ઘડીએ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે કારણ કે, ઉપરવાસમાં અવિરત વરસાદ વરસતા અને પાણીનો ફ્લો વધતા 70% ડેમ ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારના ગામોને પણ સતર્ક કરવામાં આવ્યા છે.
આજરોજ દાહોદ જિલ્લામા વરસી રહેલ વરસાદ અનુસંધાને ઝાલોદ તાલુકા આવેલ માછણનાળા ડેમ મુલાકાત લેવામા આવી સાથે ડેમ સપાટી ધ્યાન રાખવા અને જરૂર જણાય નીચાણ વાળા ગામોને ત્વરિત સુચના મળે તે મુજબ સૂચનાઓ આપવામા આવી. @CMOGuj pic.twitter.com/YmCEDIZGWU
— Collector Dahod (@CollectorDahod) July 29, 2024
દાહોદ જિલ્લામાં સોમવારની સવારથી મેઘાએ મહેર અવિરત વરસવાના કારણે જિલ્લામાં આવેલી પાનમ, કબુતરી, માછણ, કાળી, ખાન નદી સહિત વિવિધ નદીઓમાં ઘોડાપૂર વહેવા માંડી હતી, જેના કારણે જિલ્લામાં આવેલા પાટાડુંગરી ઉમરીયા કબુતરી અદલવાડા વાંકલેશ્વર અને હડપ કાળી ટુ ડેમમા નવા નીર મોટી માત્રામાં આવ્યા છે. જિલ્લામાં આવેલા માછણ નાળા ડેમમાં આવક થતા તેમના નીચાણવાળા વિસ્તારોના ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કર્યા છે.
ક્યા ગામોને એલર્ટ કરાયા ?
- થેરકા
- ભાણપુર
- ચિત્રોડિયા
- ધાવડિયા
- મહુડી
- મનુખોસલા
- માંડલિખુટા
જિલ્લા તંત્રની ખાસ માર્ગદર્શિકા: દાહોદ જિલ્લામાં સારા વરસાદના પગલે ડાંગરનો પાક સારો થવાની ધરતીપુત્રોને સારી કૃષિ ઉપજની આશા બંધાઈ છે.નદીમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. આ અંગે કલેક્ટર ડો યોગેશ નિરગુડે જણાવ્યું હતુ કે, માછણ નાળા ડેમથી અસર કરતા ગામોને સાવચેતીના પગલા લેવા સબંધિત સ્થાનિક લોકોને, ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી,મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત કેટલાંક લોકો વરસાદમાં બહાર નીકળી નદીમાં આવતા પૂર જોવા નીકળી પડે છે. આ ઉપરાંત, જળાશયો ઉ૫ર પણ એકત્ર થઇને લોકો પૂર-પાણીની આવક જોતા હોય છે. આથી ક્યારેક દુર્ઘટના બનવાની શક્યતા રહેલી છે. આવા સ્થળે કોઇ એકત્ર થતાં જોવા મળે તો તેની સામે નિયમોનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે. વહેતી કે ઓટ આવી ગયેલી નદીમાં ન્હાવા પડવું નહીં. પાછળના કિસ્સાઓ પરથી એક બાબત એ ધ્યાને આવી છે કે, વહેતી નદીમાં ઝાડી-ઝાખરા વહેતા હોય છે, તેથી તેમાં ફસાઇને ડૂબી જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, ધસમસતા પ્રવાહને કૌવતબાજ તરવૈયા પણ ભેદી શકતા નથી. એથી નદીના પ્રવાહમાં ન્હાવા પડતું એટલે દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે. ઓટ વાળી નદીમાં નીચે કાદવનું પ્રમાણ વધું હોય છે. એટલે, ન્હાવા પડ્યા બાદ અંદર પગ ખૂંપી જવાને કારણે ડૂબી જવાય છે.
ભૂતકાળમાં બની દૂર્ઘટનાઓ: ભૂતકાળમાં કેટલાક એવા બનાવો પણ બન્યા છે કે, નદીના પૂર જોવા ગયા હોય અને લપસીને પડવાથી પ્રવાહમાં તણાઇ ગયા. એટલે, નદીનું રોદ્ધ સ્વરૂપ જ તેની ચેતવણી સમજી તેનાથી દૂર રહેવું એ જ હિતાવહ છે. નદી કે વહેણ ઉપર બનાવવામાં આવેલા પૂલ ઉપરથી પાણી ભયજનક સપાટીથી ઉપર જતું હોય ત્યારે, તેના ઉપરથી પસાર થવું નહીં. પાણી ઉતરી જાય તેની રાહ જોવી અને ત્યાર બાદ સલામત રીતે પૂલ પસાર કરવો. જળાશયો આસપાસ ફરવા જવાનું ટાળવું. ખાસ કરીને જળાશયો પાસે કોઇ જોખમી એંગલથી સેલ્ફી લેવાના પ્રયત્નો કરવા નહીં.
દાહોદ જિલ્લામાં ડેમની સ્થિતિ: ડેમોની પરિસ્થિતિ જોવા જઈએ તો પાટાડુંગરી ડેમ 170.84 પૂર્ણ સપાટી ની જગ્યાએ હાલ 167.15 મતલબ કે 43.31% જ ભરાયેલ છે, જ્યારે માછળનાળા 277.64 પૂર્ણ સપાટીની જગ્યાએ હાલ 276.40 એટલે કે 78.36% પાણી ભરાયેલ છે, અને ઉપરવાસમાંથી પાણીનો ફ્લો વધી રહ્યો છે હાલ દોઢ ફૂટ જ ઓવરફ્લો થવામાં બાકી છે. જ્યારે કબૂતરી ડેમની પૂર્ણ સપાટી 186.3 છે તેની સામે હાલની સપાટી 184 એટલે કે 53.95 ટકા જ ભરાયેલ છે. વાકલેશ્વર ડેમ 223.57 પુર્ણ સપાટી થી 217.46 લેવલે પહોંચ્યો છે, જે 26.62 % સૌથી ઓછી પાણીની આવક થયેલ છે, જ્યારે ઉમરિયા 280ની પૂર્ણ સપાટીથી હાલ 275.70 હાલની સપાટી છે. જે 43.28% ભરાયેલ છે, કાળી ટુ 257 પૂર્ણ સપાટી સામે હાલ 252.30 એટલે 41.05% ભરાયેલ છે અદલ વાડા ડેમની પૂર્ણ સપાટી 237.30 છે, તેની સામે 232.70હાલની સપાટી સુધી ભરતા 30.40%ટકા પાણી ભરાયેલ છે.