સુરત: જિલ્લાના અમરોલી વિસ્તારમાં રહેતી બાળકીની છેડતી કરનાર કોસાડ આવાસના યુવકને કોર્ટે ગુનેહગાર ઠેરવ્યો છે અને 5 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસની વિગતો મુજબ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં અમરોલી કોસાડ આવાસમાં રહેતો અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ બાબુભાઇ શેખ તા. 26 ઓગસ્ટ 2023ના રોજ અમરોલી વિસ્તારમાં જ રહેતી 12 વર્ષીય બાળકીની છેડતી કરતો હતો.
આરોપી સગીરાની છેડતી કરતો હતો: બાળકી જ્યારે સ્કૂલે જતી અને આવતી હતી. ત્યારે તેની પાછળ જઈને બીભત્સ ગાળો આપીને સીટી મારીને બાળકી સામે ઈશારા કરતો હતો. બનાવ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અઝરુદ્દીનની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંતોષ ગોહિલે દલીલો કરી હતી કે, ભોગ બનનાર શાળામાં ભણતી કુમળી વયની બાળા છે તેની સાથે અધમ કૃત્ય કર્યું છે અને તેના કારણે તેણીના બાળમાનસ ઉપર પણ ગભીર અસર થઇ છે.
કોર્ટે આરોપીને 5 વર્ષની સજાનો હુકમ આપ્યો: કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચુકાદામાં નોંધ્યું હતું કે, કાયદો એમ સૂચવતો નથી કે આરોપીએ સ્ત્રીની આબરુ લેવા જેવું કૃત્ય કર્યું નથી તેથી તેને છોડી મૂકવો જોઇએ. તે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અને બાળાઓએ તે કૃત્ય અંગે CRPC-164 મુજબનું નિવેદન આપ્યું છે તે જ મજબૂત પુરાવો છે. જેથી આરોપીએ છેડતી કર્યાનું નિઃશંકપણે પુરવાર થતું હોવાનું માની શકાય છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી અઝરુદ્દીનને છેડતીના કેસમાં ગુનેહગાર ઠેરવ્યો હતો અને આરોપીને 5 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.