સુરત: જિલ્લાની પ્રાણનાથ હોસ્પિટલ પાસેથી રૂપિયા આપવાની લાલચે સગીરાનું અપહરણ કરી શારીરિક છેડતી કરનાર 2 યુવક તેમજ 1 મહિલાને કોર્ટે ગુનેહગાર ઠેરવીને 3 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો હતો.
1 લાખ આપવાનો આદેશ: આ સાથે જ ભોગ બનનારને રૂ. 1 લાખનું વળતર આપવા પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કર્યો હતો.આ કેસની વિગત એવી છે કે, સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી ભગવાનનગર સોસાયટીમાં રહેતી કાજલ મિશ્રા નામની મહિલા જે જગ્યાએ કામ કરતી હતી ત્યાં અન્ય એક મહિલા પણ કામ કરતી હતી.
સગીરાને 4 દિવસ ગોંધી રાખી હતી: આ મહિલાની 17 વર્ષીય પુત્રી પણ ક્યારેક ક્યારેક કારખાને જતી હતી. આ દરમિયાન કારખાનામાં કામ કરતા ભગવાનનગર સોસાયટીમાં રહેતા કિશોર ગોહિલે સગીરાને રૂપિયા આપવાનું કહ્યું હતું અને પ્રાણનાથ હોસ્પિટલની સામે રિલાયન્સ મોલ પાસે બોલાવી હતી. જ્યાંથી કિશોરે ડભોલી મહેતાનગર સોસાયટીમાં રહેતા પ્રકાશ કેશવભાઈ નાગરની સાથે મળીને સગીરાને લઇ ગયા હતા.આરોપીઓએ સગીરાને કિશોરના ઘરે 4 દિવસ ગોંધી રાખી હતી.
સગીરાની શારીરિક છેડતી કરી: ત્રીજા દિવસે વહેલી સવારે પ્રકાશ અને કિશોરે સગીરાની સાથે શારીરિક છેડતી પણ કરી હતી. આ બાબતે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અપહરણ કરી શારીરિક છેડતી કરનાર પ્રકાશ અને કિશોર તેમજ તેઓને મદદગારી કરનારી કાજલ મિશ્રાની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંતોષ ગોહિલે દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણેયને ગુનેહગાર ઠેરવ્યા હતા અને 3 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.