સુરત: ગત રાત્રે તાપી જિલ્લાના સોનગઢ, ડોલવણ, વાલોડ તાલુકામાં ભારે વરસાદ વરસતા વાલ્મીકિ નદી ગાંડિતુર બની હતી. આ નદી મોરદેવી ગામ પાસે પુર્ણા નદીને મળતી હોય તમામ પાણી પુર્ણા નદીમાં જતાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી. આથી મહુવા અને બારડોલી તાલુકાના નદી કિનારાના ગામોની હાલત કફોડી થઈ ગઈ હતી.
બારડોલીના છીત્રા અને ખરડ બેટમાં ફેરવાયા: બારડોલી તાલુકાના છીત્રા અને ખરડ ગામમાં સવારે 8 વાગ્યાથી પાણી આવવાનું શરૂ થયું હતું. પુર્ણા નદી ભજયનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી ખરડ ગામ જતાં રોડ પરથી પસાર થતી ખાડીનું પાણી પણ નદી સ્વીકારતી ન હોય ખાડીનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. રોડ પર ગળાડૂબ પાણી હોવાથી ગામનો સંપર્ક કપાઇ ગયો હતો. બીજી તરફ છીત્રા જતાં માર્ગ પર પણ નદીનું પાણી ફરી વળતાં ગામમાં પણ જઈ શકાય એવી સ્થિતિ ન હતી. બંને ગામ બેટમાં ફેરવાય જતાં ગ્રામજની હાલત કફોડી થઈ ગઈ હતી.
વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડી ઘર સુધી પહોંચાડયા: ગામની પ્રાથમિક શાળામાં તો રજા આપી દેવામાં આવી હતી. પરંતુ જે બાળકો વહેલી સવારે અન્ય શાળાઓમાં અભ્યાસ માટે ગયા હતા તેઓને પણ રજા આપી દેતાં તેમને ઘરે પહોંચાડવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો. ગ્રામજનો ટ્રેક્ટર લઈને પાણી પાર કરી વિદ્યાર્થીઓને ઘર સુધી પહોંચડ્યા હતા. નજીકમાં જ આવેલ મહુવા તાલુકાના અમરોલી ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળતાં ખેતી પાકને નુકસાનની આશંકા સેવાઇ રહી છે.
મહુવામાં 171નું સ્થળાંતર: મહુવા તાલુકામાં બે જ કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ ઝીંકાયો હતો. સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ ૧૭૧ લોકોની પ્રાથમિક શાળા અને શોપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લોકોને દોરડાના સહારે બહાર કાઢ્યા: મહુવાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ઇસ્લામપૂરા વિસ્તારમાં કેડસમા પાણી ભરાય જતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા. અહીંથી અંદાજિત 30 જેટલા લોકોને સરપંચે સ્થાનિકોની મદદથી દોરડાના સહારે બહાર કાઢ્યા હતા. હાટ ફળિયામાં પણ પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. મહુવાના પી.એસ.આઈ. ખુદ કમર સુધીના પાણીમાં જઇ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચડ્યા હતા.
અનેક પુલ પાણીમાં ગરકાવ થયા: મહુવા તાલુકામાં પુર્ણા અને ઓલણ નદીમાં પાણી આવતા અનેક પુલ પાણીમાં ગરક થઈ ગયા છે. ભગવાનપૂરાથી સાંબા ભોરિયા જતાં લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં કાકરિયા અને ભોરિયાના લોકોને હાલાકી પડી રહી છે. સામે રહેતા લોકોને મહુવા જવા માટે 20કિમીનો ચકરાવો કરવો પડી રહ્યો છે.