સુરત: આગામી સપ્તાહથી શરૂ થનારા નવરાત્રિ પર્વમાં કાયદો-વ્યવસ્થા જાળવવા શહેર પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે. લોકોની સુરક્ષા-સલામતી જાળવવા પોલીસ આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. કોમર્શિયલ ગરબાના આયોજન સ્થળે કે ડોમમાં નિયત કરતા વધુ લોકો એકત્ર થાય તો આધુનિક સિસ્ટમથી પોલીસને તુરંત એલર્ટ મળી જશે.
પોલીસ જવાનો-હોમગાર્ડ 7000નો સ્ટાફ ખડેપગે: શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું કે, સુરત શહેરમાં કોમર્શિયલ, શેરી, મહોલ્લા, સોસાયટી, પાર્ટી પ્લોટ, સ્કૂલ કેમ્પસ વગેરે મળી 2700 સ્થળે ગરબાના આયોજનો થતા હોય છે. માતાજીની આરાધનાના આ પર્વમાં લોકોની સુરક્ષા-સલામતી માટે પોલીસ એલર્ટ છે. શહેરના પોલીસ જવાનો હોમગાર્ડ મળી 7000નો સ્ટાફ ખડેપગે રહેશે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા બાબતે વિશેષ તકેદારી રખાશે. શહેર પોલીસની 250 મહિલા પોલીસની બનેલી અલગ-અલગ SHE ટીમ ગરબાના આયોજન સ્થળોએ પરંપરાગત વેશભુષામાં હાજર રહી રોમિયોગીરી કરતા તત્ત્વોને સકંજામાં લેશે.
આયોજકોને જરૂરી વ્યવસ્થા રાખવા સૂચના: ગરબાના મોટા આયોજકોને સેફ્ટી, પાર્કિંગ માટે જરૂરી વ્યવસ્થા રાખવા સૂચના આપી દેવાઇ છે. ડોમથી જનરેટ દૂર રાખવા તથા જનરેટરમાં ઉપયોગમાં લેવામાં આવતું પેટ્રોલ કે ડીઝલ સ્ટોર નહીં કરવા તાકીદ કરાઈ છે. ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ, એન્ટ્રી, એક્ઝિટ પોઇન્ટ, મહિલા ચેકિંગની અલાયદી વ્યવસ્થા, કોઈપણ સિક્યોરિટી ગાર્ડ ગુનાહીત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ, અવાવરું જગ્યાઓએ લાઇટિંગની વ્યવસ્થા કરવા સહિતની બાબતોનું આયોજકોએ વિશેષ રાખવું પડશે.
પોલીસ AIનો ઉપયોગ પણ કરશે: ડોમ તેમજ આસપાસના વિસ્તારોમાં માદક પદાર્થનું વેચાણ ન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. કમિશ્નરે જણાવ્યું કે, ગરબાના ડોમમાં કેપેસિટી કરતા વધારે લોકો એકઠા નહીં. થાય તે બાબતે નજર રાખવા પોલીસ AIનો ઉપયોગ પણ કરશે. નિયત સંખ્યા કરતા વધુ લોકો એકત્ર થશે તો તુરંત એલર્ટ મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને મળી જશે. જેથી પોલીસ દ્વારા આયોજકોને હવે વધુ લોકોને પ્રવેશ નહીં આપવા તાકીદ કરી શકશે. કેપેસિટીથી વધારે લોકો એકઠાં થશે તો જવાબદાર આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. મોટા ગરબા સ્થળોએ ડ્રોન કેમેરા ઉડાડવા સાથે પોલીસ બોડીવોર્ન કેમેરાથી પણ સમગ્ર ગતિવિધિ પર ચાંપતી નજર રાખશે.
આ પણ વાંચો: