રાજકોટ: ધોરાજી શહેરના 26 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર વેગડી ગામની ભાદર નદીમાં પુલ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની બાબત સામે આવી છે. જેમાં આ ઘટના અંગેની જાણ થયા બાદ તંત્ર ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને આપઘાત કરનાર યુવકની ભાડ અને શોધખોળ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાં છેલ્લા 24 કલાકથી પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શોધખોળ બાદ પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહને પાણીની બહાર કાઢી ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસ.ડી.આરએફ. ની ટીમ આવી મદદે: તારીખ 11 જૂન, 2024 ના વહેલી સવારે ધોરાજીના 26 વર્ષીય નિકુંજ અગ્રાવત નામના યુવકે બેગડી ગામ પાસે આવેલી ભાદર નદીમાં પોતાનું મોટરસાયકલ રાખી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. આ માહિતીઓ સામે આવતા સ્થાનિક તેમજ વિવિધ તંત્ર ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં તલાટી મંત્રી, પોલીસ, મામલતદાર ટીમ તેમજ ધોરાજીનું વહીવટી તંત્ર સાથે એસ.ડી.આરએફ. ની ટીમને પણ મદદ માટે બોલાવી લેવાઈ હતી.
યુવકનો મૃતદેહ મળ્યો: આ ઘટના અંગે મદદ માટે દોડી આવેલ એસ.ડી.આર.એફ ટીમ દ્વારા આપઘાત કરનાર યુવકની લાશ શોધવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી. ત્યારે ટીમને આ શોધખોળમાં 24 કલાક બાદ તારીખ 12 જૂન 2024 ના રોજ મૃતક યુવકનો મૃતદેહ મળી આવી છે. આ ઘટનામાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર અને પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી કર્યા બાદ સત્ય હકીકત સામે આવી શકે છે.