અમદાવાદ: અમદાવાદ જેવા શહેરની અંદર યુવાનોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી અત્યારે પીઝા, બર્ગર અને સેન્ડવીચનો ક્રેઝ જોવા મળે છે ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ હાટમાં છેલ્લા 25 વર્ષથી શારદાબેન નામની આત્મનિર્ભર સ્ત્રી આજે પણ ચૂલા ઉપર રોટલા બનાવી પોતાની સાથે 9 લોકોનું ગુજરાન ચલાવે છે.
ખેત મજુરથી હોટલના માલિક સુધીની સફર: શારદાબેન મૂળ સાણંદ પાસે આવેલા નાનકડા ગામના વતની છે. શરૂઆત સમયમાં તેઓ ખેતરમાં છૂટક મજૂરી કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. રોજનું કમાઈ અને રોજનું ખાવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ હતી. ત્યારબાદ કોઈ વ્યક્તિ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તમે 11 બહેનોને ભેગા કરી અને એક સખી મંડળ બનાવો અને પોતાની સ્વરોજગારી ઊભી કરો.
શારદાબેન કહે છે કે "હું તો અભણ હતી મને તેવી કઈ ખબર પડે નહીં" તેથી એક ભણેલા બહેનને સાથે રાખી તેમણે પોતાનું સખીમંડળ બનાવી હાથ રૂમાલ અને કપડા બનાવી અલગ અલગ જગ્યાએ વહેંચવા જતા. તેઓ જણાવે છે કે તેઓ મુંબઈ અને દિલ્હી સુધી પોતાના હાથ રૂમાલ વહેંચવા ગયેલા છે.
કાઠિયાવાડી હોટલની શરુઆત કરી: ત્યારબાદ જ્યારે અમદાવાદ શહેરના અંજલી ચાર રસ્તા પાસે એક હાટ બન્યું હતું. ત્યારે તેમણે પોતાના હાથ રૂમાલ અને કપડાંની દુકાનની ત્યાં શરૂઆત કરી અને થોડો સમય ત્યાં રહ્યા. તે બાદ તેમને ફરી કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો, કોઈનું માર્ગદર્શન મળ્યું અને ગ્રામીણ ભોજનાલય નામ આપી ચૂલા પર રોટલા અને રીંગણાનો ઓળો એમ શુદ્ધ કાઠીયાવાડી અંદાજમાં કાઠીયાવાડી ભોજન માટેની હોટલની શરૂઆત કરી.
જાણો રોજના કેટલા કમાય છે: શારદાબેન પહેલા ખેતરમાં મજૂરી કરતા હતા અને ખૂબ ખરાબ આર્થિક પરિસ્થિતિ હતી. ત્યારે આજે તેઓ પોતાનો ધંધો શરૂ કરીને બીજા લોકોને પણ રોજગારી આપે છે. શારદાબેનનું વ્યક્તિત્વ જ એવું કે શારદાબેન જે બોલે તે પણ મીઠું લાગે અને શારદાબેન જે રોટલો ઘડે તે પણ મીઠો લાગે. શારદાબેનના હાથનું આ કાઠીયાવાડી ભોજન અને તેમાં પણ ખાસ રીંગણાનો ઓળો અને ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા ખાવા માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી લોકોનો જમાવડો થાય છે. રોજ 100 થી 150 થાળી વેચાય છે એટલે કે 15 થી 18 હજારનો ધંધો થાય છે અને શનિ - રવિવારે તેનાથી બમણો એટલે કે 30 થી 35 હજાર જેટલો ધંધો થાય છે.
આ પણ વાંચો: