કચ્છ: બહુચર્ચિત કેસ જ્યંતી ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલને જામીન મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. છબીલ પટેલ પણ અબડાસાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યારે આ ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે છબીલ પટેલને જામીન આપ્યા છે તો હાલમાં જ 3 દિવસ અગાઉ આજ કેસમાં અન્ય આરોપી મનીષા ગોસ્વામીના જામીન પણ સુપ્રીમકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા.
હત્યા કેસના આરોપી છબીલ પટેલના જામીન મંજૂર: કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર જયંતિ ભાનુશાલી હત્યા કેસના આરોપીઓ પૈકીના એક એવા છબીલ પટેલને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. વર્ષ- 2019માં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જયંતી ભાનુશાળીની હત્યા થયા બાદ રેલવે પોલીસની સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે તપાસના અંતે તારીખ 11/4/2019ના આરોપીઓ પૈકીના એક જ્યંતી ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી તો અન્ય આરોપીઓ છબીલ પટેલ, મનીષા ગોસ્વામી અને સાગરીત સુરજીત પરદેશ ઊર્ફે ભાઉની ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય મહિલા આરોપીને પણ મળ્યા છે જામીન: અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા કરવાના ગુનામાં નવેમ્બર 2019થી ભુજની ખાસ પાલારા જેલમાં બંધ મનીષા ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે પણ હાલમાં જ 29મી જુલાઈના રોજ જામીન આપ્યાં હતા.આ હત્યા કેસના અન્ય આરોપીઓ મનીષા અને તેનો સાગરીત સુરજીત પરદેશ ઊર્ફે ભાઉ બન્ને નાસતાં ફરતાં રહ્યાં હતા જે નવેમ્બર માસમાં યુપીના પ્રયાગરાજમાંથી ઝડપાઈ ગયા હતા.
મનીષા ગોસ્વામીને એક કેસમાં જામીન બીજા કેસમાં હજુ જેલમાં: મળતી માહિતી મુજબ સર્વોચ્ચ અદાલતે જેન્તી ભાનુશાળી હત્યા કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા માટે હુકમ કર્યો હતો પરંતુ તેનું પાલન ના થતાં કૉર્ટે પ્રી ટ્રાયલ કન્વિક્શન ગણીને આ કેસની આરોપી મનીષા ગોસ્વામીને જામીન પર મુક્ત કરી દીધી હતી. જો કે મનીષા ગોસ્વામી માધાપરના યુવકને હની ટ્રેપ કરી મરવા માટે મજબૂર કરવાના ગુનામાં પણ સંડોવાયેલી છે, જેથી તેને તે કેસમાં જામીન મળ્યાં નથી માટે તે હજુ જેલમાં જ છે.
છબીલ પટેલના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર: હત્યા કેસની એક આરોપી મનીષા ગોસ્વામીને કોર્ટના હુકમ બાદ જમીન મળતા ભાનુશાળી હત્યા કેસમાં હાલ જેલમાં રહેલાં અન્ય આરોપીઓએ પણ જામીન મેળવવા માટે અરજી કરી હતી, જેમાં છબીલ પટેલના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે મંજૂર કરવામાં આવ્યા છે.
અગાઉ પણ જામીન માટે કરી હતી અરજી: ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી કસ્ટડીમાં રહેલા અબડાસાના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે આ અગાઉ ઓગસ્ટ 2022માં બીજી વખત રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જે ભચાઉ કોર્ટે નકારી હતી. છબીલ પટેલે પોતાની રાજકીય સક્રિયતાને પગલે આ કેસમાં ફસાવી દેવામાં આવ્યો હોવાનું તેમજ ઘણા સમયથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેવું કોર્ટને જણાવીને નિયમિત જામીન માટે અરજી કરી હતી. આ હત્યાની ઘટના બની ત્યારે છબીલ પટેલ વિદેશ હોવા છતાં તેમની આ કેસમાં સંડોવણી ખુલતા હાજર થઇ ગયા હતા અને લાંબા સમયથી તેઓ કસ્ટડીમાં રહ્યા છે એટલે તેમને જામીન મળવા અરજી કરી હતી. આ એક રાજકીય હત્યાનો કેસ હોવાનું જે તે સમયે ચર્ચાયું હતું.